નિયમની ઐસીતૈસી: જાહેર રજા હોવા છતાં મુરલીધર હાઈસ્કૂલમાં બાળકોને બોલાવાયા
સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં તમામ છાત્રોને રજા આપી મોકલી દેવાયા: DEO સમક્ષ લૂલો બચાવ
ગુજરાત અને ભારતના મહાપુરૂષોની જન્મજયંતિ તેમજ કેટલાક તહેવારોની જાહેર રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં સરકારી કચેરીઓ, શાળા-કોલેજોમાં પણ જાહેર રજાની અમલવારી ફરજિયાત હોવા છતાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા તેનો ઉલાળ્યો કરી અને બાળકોને શિક્ષણકાર્ય માટે બોલાવતા હોય છે. રાજકોટની શ્રી મુરલીધર હાઈસ્કૂલમાં બાળકોને ગાંધી જયંતિની જાહેર રજામાં શાળાએ બોલાવવામાં આવ્યાં હોવાનો વિડિયો વાઈરલ થયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ પેલેસ રોડ પર વર્ધમાનનગરમાં આવેલ શ્રી મુરલીધર હાઈસ્કૂલ દ્વારા આજે ગાંધી જયંતિની જાહેર રજા હોવા છતાં પણ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને શાળા ખાતે સવારમાં બોલાવવામાં આવ્યા હતાં. આ અંગેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં અને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી પાસે ફરિયાદ થતા શાળા દ્વારા શિક્ષણાધિકારીને શાળાના લેટરપેડ પર ખુલાસો આવ્યો છે.
જિલ્લા શિક્ષણાધિકારીને લેટરપેડ પર આવેલા ખુલાસામાં રટણ કર્યું છે કે અમારી શાળામાં આજરોજ ગાંધીજયંતિ નિમિત્તે શાળામાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાય તે માટે શાળામાં સ્વચ્છતા રેલી, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિત જુદી જુદી સ્પર્ધા રાખવામાં આવેલ હતી અને તે સંદર્ભે વિદ્યાર્થીઓને બોલાવેલ હતાં. પરંતુ ખોટી ગેરસમજ થવાના કારણે અમે આ બધી સ્પર્ધાઓ રદ કરીને 8.30 કલાકે વિદ્યાર્થીઓને છોડી આપેલ હતાં. આજરોજ કોઈપણ શિક્ષણકાર્ય કરવામાં આવેલ નથી.
વાયરલ વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રજા હોવા છતાં બાળકોને શાળામાં બોલાવવામાં આવ્યાં છે અને તેમના હાથમાં પોસ્ટકાર્ડ આપી વિસ્તારમાં રેલી સ્વરૂપે કરવામાં આવ્યા હતાં. આ વિડિયો વાયરલ થતાં શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયું હતું. સંચાલકોને પણ નિયમનો ઉલાળ્યો કરવાનું ધ્યાને આવતાં તમામ કાર્યક્રમ રદ કર્યા હતાં તેવી ચર્ચા સ્થાનિકોમાં થઈ રહી છે.