પતંગ-દોરાના પ્રેમમાં નવ લોકોની જીવનદોર કપાઇ
ગુજરાતમાં અનેક પરિવારો માટે મકર સંક્રાંતિનું પતંગ પર્વ બન્યું માતમનું પર્વ
પતંગના કાતિલ દોરાથી ગળું કપાઇ જતા પાંચના અને ધાબેથી પટકાતાં ત્રણનાં મોત, અનેક લોકો ઘવાયા
એક જ દિવસમાં 4250થી વધુ ઇમર્જન્સી કોલ મળતા 108 એમ્બ્યુલન્સો સતત દોડતી રહી
ગુજરાતમાં પતંગોના પર્વમાં ઉજવણીના અતિરેકમાં કુલ નવ લોકોના જીવનની ડોર કપાઇ ગઇ છે. જયારે અનેક લોકો અને નિર્દોષ પશુ-પક્ષીઓ પતંગના કાતિલ દોરાથી ઘવાયા હતા.
ગઇકાલે ઉતરાયણના તહેવારના દિવસે 108 ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સો આખો દિવસ દોડતી રહી હતી અને ગઇકાલે મંગળવારે રાત્રે 9 વાગ્યા સુધીમાં 108ને કુલ 4256 ઇમરજન્સી કોલ મળ્યા હતા.
ઉતરાયણના દિવસે પતંગ- દોરાએ સૌથી વધુ રાજકોટમાં ત્રણ લોકોના ભોગ લીધા હતા. શહેરના અમદાવાદ રોડ ઉપર મેંગો માર્કેટ પાસે બેડલા ગામના બાઇક સવાર પ્રકાશ પ્રજાપતિ નામના 28 વર્ષના યુવકનું કાતિલ દોરાથી ગળુ કપાઇ જતા સ્થળ પર જ મૃત્યુ નિપજયું હતું.
આ સિવાય ઘંટેશ્ર્વર વિસ્તારમાં પતંગ ઉડાડતા અગાસી પરથી નીચે પટકાયેલ કશ્યપ વિવેકભાઇ ચંદ્રા નામના 10 વર્ષના બાળક તેમજ થોરાળા વિસ્તારમાં પતંગ ઉડાડતા બીજા માળેથી પટકાતા અયુબખાન પઠાણ (ઉ.18)નું કરૂણ મોત નિપજયું હતું. આ સિવાય દોરા વાગવાથી 45 અને પતંગ ઉડાડતા પડી જવાથી 15 લોકો ઘવાયા હતા.
ચોથા બનાવમાં સુરેન્દ્રનગરના પાટડીના ઓડુ ગામના ઇશ્વરભાઇ ઠાકોરનું પણ પતંગની દોરીથી મોત થયું હતું. પાંચમા બનાવમાં જામજોધપુરમાં હીના મીલ પાસે પાટણ રોડ પર રહેતા રામાભાઈ રબારી નામનો 14 વર્ષિય તરુણ કપાયેલ પતંગ લેવા વાડીના શેઢે દોડતા કાંટાળી તારમાં રહેલ વીજ શોક લાગતા બનાવ સ્થળે જ મૃત્યુ પામ્યો હતો.
છઠ્ઠા બનાવમાં હાલોલના રહતલાવ ગામના 5 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું દબાવવાથી મોત થયું હતું. પરેશભાઈ તેમના પુત્ર કૃણાલ સાથે ટુ-વ્હીલર પર પેનોરમા ચોકડી પાસે ફુગ્ગા ખરીદવા જઈ રહ્યા હતા.
દરમિયાન અચાનક પતંગની દોરી તેની સામે આવી હતી જે સામે બેઠેલા કૃણાલના ગળામાં ફસાઈ ગઈ હતી. દોરીના ઘર્ષણને કારણે બાળકનું ગળું ખરાબ રીતે કપાયું હતું. ઇજાગ્રસ્ત કૃણાલને તાત્કાલિક સારવાર માટે લઇ જવાયો હતો. તબીબોએ તાત્કાલિક સારવાર શરૂૂ કરી હતી, પરંતુ થોડા સમય બાદ બાળકનું મોત થયું હતું.
સાતમાબનાવમાં કડીના કસ્બા વિસ્તારમાં વીજ વાયર પર પડેલી પતંગની દોરી કાઢવાના પ્રયાસમાં એક મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. દરમિયાન મહિલાને બચાવવા ગયેલા તેના ભાઈનું પણ વીજ કરંટ લાગતાં તેનું દર્દનાક મોત નિપજ્યું હતું.
આઠમી ઘટનામાં વડનગર તાલુકાના વડબાર ગામના 35 વર્ષીય મનસાજી રગુનજી ઠાકોરનું દોરી વડે ગળું કપાવવાથી કરૂૂણ મોત નીપજ્યું હતું. માનસાજી તેમના ઘર પાસે પહોંચ્યા ત્યારે અકસ્માત થયો હતો. ત્રણ સંતાનોના પિતા માનસાજીના અકાળે અવસાનથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જયારે નવમી ઘટનામાં વડોદરાના છાણીની 35 વર્ષીય મહિલા માધુરી કૌશિકભાઈ પટેલનું ગળું માંઝા દ્વારા કપાઈ જતાં તેનું મોત થયું હતું.
રાજયમાં 9 જિંદગી હોમાઇ
1) પ્રકાશ જયસુખભાઇ સેરસિયા (ઉ. 28) - બેડલા (રાજકોટ)
2) કશ્યપ વિવેકભાઇ ચંદ્રા (ઉ. 10) - રાજકોટ
3) અયાનખાન પઠાણ (ઉ. 18) - રાજકોટ
4) ઇશ્ર્વરભાઇ ઠાકોર - ઓડુગામ (સુરેન્દ્રનગર)
5) કૃણાલ પરેશભાઇ (ઉ. પ) - રાહતલાવ ગામ (હાલોલ)
6) માનસજી રંગુજી ઠાકોર (ઉ. 3પ) - વડબાર ગામ (વડનગર)
7) માધુરીબેન કૌશિકભાઇ પટેલ (ઉ. 3પ) - છાણી (વડોદરા)
8) ફરહાન ઇસ્માઇલ મલેક - કડી (કલોલ)
9) રામાભાઈ કાનાભાઈ રબારી (ઉવ.14) - જામજોધપુર