લોઠડા પાસે બાઈક સાથે નિલ ગાય અથડાતા ચાલકનું મોત
સુરતના મોટા વરછા રહેતા પ્રૌઢના પુત્રની વિંછીયા જીઈબીમાંથી શાપર બદલી થતા ઘરવખરીનો સામાન ફેરવવા બાઈક લઈ લોઠડાથી ભાયાસર ગામની વચ્ચે રોડ ઉપરથી શાપર જતા હતા તે દરમ્યાન બાઈક સવાર પ્રૌઢ નીલગાય સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચી હતી. પ્રૌઢનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સુરત મોટા વરાછાના વૈદાંત સિટી અંબામ રોડ પર રહેતા રમેશકુમાર ભાણજીભાઈ દેત્રોજા (ઉ.વ.52) નામના પ્રૌઢ ગત.તા.28ના બપોરે અઢી વાગ્યા આસપાસ લોઠડા અને ભાયસર ગામ વચ્ચે રોડ ઉપરથી જતા હતા તે વેળાએ નીલગાય સાથે બાઈક અથડાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાકિદે 108 મારફતે ખાનગી હોસ્પિલમાં ખસેડાયા હતા.જયાં બે દિવસની સારવાર લીધા બાદ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિલમાં ખસેડતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતા હોસ્પિલ પોલીસ ચોકીના સ્ટાફે નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા જમાદાર હરસુળભાઈ ડાંગર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક સુરતમાં હિરા ઘસવાનું કામ કરતા હતા. અને તેના પુત્રની વિંછીયા જીઈબીમાંથી શાપર બદલી થતા તેનો ઘરવખરીનો સામાન શિફ્ટ કરતી વખતે માતા-પુત્ર આગળ ફોરવ્હીલમાં હતા. અને મૃતક પાછળ બાઈક લઈ જતા હતા તે વેળાએ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના મોભીનું અકાળે મોત નિપજતાં શોક વ્યાપી જવા પામ્યો છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.