રાજકોટમાં રાત્રીના દે ધનાધન, 4 ઈંચ
રાત્રીના 12થી સવારે 6 દરમિયાન વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જૈસે થે
ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં નૈરૂત્ય ચોમાસાએ એન્ટ્રી કરી છે ત્યારે ગત શનિવારે શહેરમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર ત્રણ ઈંચથી વધુ પાણી વરસી ગયા બાદ ગઈકાલે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજ સુધી ઝાપટાઓ વરસ્યા હતાં અને રાત્રીના ફરી જોરદાર વરસાદ શરૂ થતાં ગઈકાલે ઝાપટા સ્વરૂપે વરસ્યા બાદ રાત્રીના અનરાધાર વરસ્યો હતો તેમજ વહેલી સવારે છ વાગ્યે ફરી અનેક વિસ્તારોમાં દે ધનાધન પાણી વરસતા 24 કલાક દરમિયાન શહેરમાં ચાર ઈંચથી વધુપાણી વરસી ગયું છે. જેથી મોસમનો કુલ વરસાદ 8.5 ઈંચને પાર થઈ ગયો છે.
ગઈકાલે શહેરમાં આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ દિવસ દરમિયાન ઝાપટાઓ પડ્યા હતા તેમજ રાત્રીના ધીમીધારે વરસાદ શરૂ થયે જે સવારે છ વાગ્યા સુધી ચાલુ રહેલ ત્યાર બાદ વરસાદે ઉગ્ર સ્વરૂપ પકડતા વેસ્ટઝોનમાં 67 મીમી, સેન્ટ્રલઝોનમાં 60 મીમી અને ઈસ્ટઝોનમાં 47 મીમી પાણી વરસી જતાં વેસ્ટઝોનનો કુલ વરસાદ 260 મીમી તથા સેન્ટ્રલઝોનનો કુલ વરસાદ 221 મીમી અને ઈસ્ટઝોનનો કુલ વરસાદ 166 મીમી સાથે સિઝનનો ત્રણેય ઝોનનો વરસાદ 647 મીમી નોંધાયો હતો. ફાયર વિભાગના જાહેર થયેલ આંકડા મુજબ સિઝનનો કુલ વરસાદ 8॥ ઈંચને પાર થઈ ગયો છે અને આજે પણ સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ ચાલુ હોય બપોર બાદ વધુ વરસાદ વરસવાની સંભાવના જોવાઈ રહી છે.
રાજકોટમાં ગઈકાલે રાત્રી દરમિયાન વધુ ચાર ઈંચ પાણી વરસી જતાં મહાનગરપાલિકાની પોલ ફરી વખત ખુલી પડી હતી. ઠેર ઠેર પાણી ભરાવાની ઘટનાઓની સાથો સાથ મનપાના સીવીક સેન્ટરમાં સોસાયટીમાં પાણી ઘુસી જવાની તેમજ સ્ટ્રોમ વોટર યોજનાઓ અને ભુગર્ભગટરો ચોકપ થયાની ફરિયાદોનો ધોધ વહ્યો હતો. રાત્રીના વરસાદ આવતા તંત્ર દ્વારા પણ ફરિયાદોના નિકાલ માટે સવાર સુધી દોડાદોડી કરી હોવાનું જાણવા મળેલ છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા. 20 સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ હોય આજે બપોર બાદ વરસાદ તુટી પડે તેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે.
શહેરમાં શનિવારના રોજ ઝંઝાવાતી ત્રણ ઈંચ વરસાદ વરસી ગયા બાદ છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ હતું જેમાં ગઈકાલે સાંજથી આજે સવાર સુધીમાં વધુ ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 216 મીમી વરસાદ વરસી ગયાનું નોંધાયું છે. જ્યારે ફાયર બ્રિગેડના આંકડા મુજબ ગઈકાલનો ફક્ત બે ઈંચ વરસાદ દરસાવવામાં આવે છે. જેના લીધે બન્ને વિભાગના આંકડાઓમાં તાલમેલ ન હોય વરસાદનો સાચો આંકડો જાણવા મળી સકતો નથી. છતાં હવામાન વિભાગ દ્વારા 1 જૂનથી વરસાદી આંકડાઓ જાહેર કરાવમાં આવી રહ્યા છે. જેની સામે ફાયર વિભાગ દ્વારા રાજકોટમાં પ્રથમ વરસાદ પડ્યો ત્યારથી મે મહિનાથી ગણતરી કરી વરસાદના આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે.
સ્ટોર્મ વોટર યોજનાનો કરોડોનો ખર્ચ પાણીમાં
રાજકોટ શહેરમાં એકધારો એક ઈંચ વરસાદ પડે તો પણ ઠેર ઠેર પાણી ભરાવાની ઘટનાઓ વર્ષોથી જોવા મળી રહી છે. જેના માટે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સ્ટ્રોમવોટર યોજના અંતર્ગત વધુ પાણી વહેતું હોય તેવા રોડ ઉપર સ્ટ્રોમ વોટર યોજના લાગુ કરવામાં આવી છે. પરંતુ ચાલુ વરસાદે સ્ટ્રોમ વોટરની જાળી સાફ ન થતાં દર વખતે જાળીમાં કચરો ભરાઈ જતાં પાણી રોડ ઉપર વહેવાની સ્થિતિ એની એ જ જોવા મળી છે. જેના લીધે સ્ટ્રોમવોટર યોજનામાં કરોડોનો ખર્ચ કરવા છતાં અનેક સોસાયટીઓ અને ઘરોમાં પાણી ઘુસી જવાની સમસ્યા આજે પણ યથાવત રહેવા પામી છે. જેના લીધા સ્ટ્રોમવોટર યોજનાનો કરોડોનો ખર્ચ પાણીમાં વહી ગયો હોવાનું લોકો કહી રહ્યા છે.
શ્રીનગરમાં રાત્રીના એક મકાન ધરાશાયી: જાનહાનિ ટળી
શનિવારથી શહેરમાં શરૂ થયેલ વરસાદ ગઈકાલે પણ વણથંભ્યો ચાલુ રહ્યો હતો. ત્યારે સહકાર મેઈન રોડ ઉપર શ્રીનગર શેરી નં. 6માં એક મકાનનો જર્જરીત ભાગ ધડાકાભેર તુટી પડ્યો હતો. આથી ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહંચી રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. આ મકાન જર્જરીત હોવાના કારણે અગાઉ પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત નોટીસ આપવામાં આવેલ પરંતુ આસામીઓએ જાતે જર્જરીત બાંધકામ દૂર ન કરતા બે દિવસના ભારે વરસાદના પગલે મકાનનો ભાગ તુટી પડ્યો હતો. પરંતુ સદનસીબે જાનહાની ટળી હોવાનું જાણવા મળેલ છે.