પાટડીના સડલાની શાળામાં આચાર્યએ છાત્રાઓની છેડતી કર્યાના આક્ષેપ
વાલીઓ સહિત ગ્રામજનોનો શાળામાં હલ્લાબોલ, પોલીસ દ્વારા આચાર્યને લઇ જઇ પૂછપરછ: કડક કાર્યવાહી કરવા માંગ
ગુજરાતમા શિક્ષણને કલંકીત કરતા બનાવો સતત વધી રહયા છે. ભેંસાણનાં સંકુલ બાદ પાટડીનાં સડલાની શાળામા પણ છેડતીની ઘટના બની હોવાનુ સામે આવ્યુ છે જેમા પ્રાથમીક શાળાનાં આચાર્ય દ્વારા વિધાર્થીનીઓની છેડતી કરવામા આવી હોવાનાં આક્ષેપ કરવામા આવ્યા હતા. વાલીઓ અને ગ્રામજનો દ્વારા શાળામા હલ્લાબોલ કરવામા આવતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી જઇ આચાર્યને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. અને પુછપરછ શરૂ કરી હતી. આ વાત સમગ્ર પંથકમા વાયુ વેગે ફેલાતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હજી ચોટીલાના લાખણકામાં માત્ર કાગળ ઉપર ચાલતી સ્વામી વિેવેકાનંદ સ્કૂલની તપાસ પણ પુર્ણ નથી થઇ શિક્ષણાધીકારી છાવરતા હોય એવુ લાગી રહયુ છે ત્યારે પાટડીના સડલા ગામની પ્રાથમીક શાળાના આચાર્ય હરેશભાઇ દ્વારકાદાસ પ્રજાપતિ ધોરણ 6-7-8 ની નવેક છોકરીઓ સામે છેડતી કરતો હોવાનો ઘટસ્ફોટ થતા હોબાળો મચી ગયો હતો.આ બાબતની એક દીકરીએ વાલીને જાણ કર્યા બાદ સરપંચ નવઘણભાઇને જાણ કરી હતી ત્યાર બાદ ધીમે ધીમે તપાસ કરતા 9 જેટલી દીકરીઓની આચાર્ય છેડતી કરતો હોવાની સનસની ઘટના સામે આવી હતી.દીકરીઓને એવી રીતે પણ ધમકાવતો કે ઘેર આવી વાત કરશો તો નાપાસ કરી દઇશ એવુ પણ વાલીઓએ જણાવ્યુ હતુ.
પોલીસને સરપંચે જાણ કરતા પાટડી પી.આઇ.સહિતની પોલીસ સડલા પ્રા.શાળાએ પહોચી હતી આ વાતની ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળા સ્કૂલે એકઠા થતા પોલીસ આચાર્યને લઇ પાટડી પોલીસ સ્ટેશન પહોચી હતી.જ્યાં આચાર્યની પુછપરછ શરૂૂ કરી બીજી તરફ ગામના સરપંચ અને દીકરીઓના વાલીઓની પણ પુછપરછ પોલીસે શરૂૂ કરી હતી.હવે આ ગંભીર ઘટના બાદ આચાર્ય સામે કોણ પોલીસ ફરીયાદ આપશે અને શિક્ષણ વિભાગ આચાર્ય સામે કેવી કાર્યવાહી કરે છે એની સામે સૌની નજર મંડાયેલી છે.
આચાર્ય છ માસથી છોકરીઓની છેડતી સ્કૂલમાં કરતા હોય અને આ વાતની શાળાના શિક્ષકોને જાણ ન હોય એ ગંભીર બાબત ગણાય શિક્ષકોને જાણ હોય અને આચાર્યને છાવરતા હશે ? કે શિક્ષકો પણ અજાણ હશે એની પણ તપાસ થાય એવી અને આચાર્ય સામે પોલીસ કાર્યવાહી કરી તાત્કાલીક સસ્પેન્ડ થાય એવી વાલીઓની માંગ ઉઠી છે.
તપાસ ચાલી રહી છે: જિલ્લા પોલીસ વડા
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશ પંડયાએ જણાવેલકે સડલાના આચાર્ય સામે છેડતી કર્યાની ગ્રામજનોની રજૂઆતના આધારે આચાર્યની પુછપરછ ચાલુ છે પોલીસ તપાસ ચાલુ છે ફરીયાદ આપશે તો ફરીયાદ પણ લઇ લેવાશે.
શિક્ષણ વિભાગ તપાસ રિપોર્ટ ઉપર મોકલશે: ટી.પી.ઓ.
પાટડી ટી.પી.ઓ.અંબુભાઇ સોલંકીએ જણાવેલકે સડલાના આચાર્ય સામે વાલીઓની રજૂઆતના આધારે પાટડી કેળવણી નિરીક્ષક અને બી.આર.સી.તપાસ ચલાવી રહયા છે રીપોર્ટ આવ્યા બાદ જિલ્લા કક્ષાએ મોકલી દેવાશે આગળની કાર્યવાહી ત્યાંથી થશે.