પોરબંદરમાં જમીન વિવાદમાં નવો વળાંક: ખોટી માહિતી આપવા બદલ મહિલા સામે ફરિયાદ
દોઢ કરોડની જમીન 80 લાખમાં પડાવી 41 લાખ પરત ઉપાડી લીધા! : સમાધાન થતા પોલીસને ખોટી ફરિયાદ અપાઇ હોવાનું સોગંદનામુ ખૂલ્યું
રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ હેઠળ પ્રશ્નોના ત્વરિત નિરાકરણની સૂચનાઓ હોવા છતાં, પોરબંદરમાં એક જમીન વિવાદમાં પોલીસને ખોટી માહિતી આપી ગુનો કરનાર મહિલા વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દેવીબેન જીવાભાઈ મોઢવાડીયા (ઉં.વ. આ. 68, રહે. શ્રીજી પાર્ક, બજાજ શો-રૂૂમ પાછળ, પોરબંદર) વિરુદ્ધ ખોટી માહિતી આપવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જાજડીયા, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને પોરબંદર ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુની સૂચનાથી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે દેવીબેન મોઢવાડીયાએ એ-અરજી નંબર 55/2025, તા. 13/05/2025 ના રોજ એક અરજી કરી હતી. આ અરજીમાં તેમણે કાનાભાઈ સરમણભાઈ જાડેજા, સતીષ દેવા મુશાળ ઉર્ફે (ચના), અને મુકેશભાઈ ભીમાભાઈ કડછા વિરુદ્ધ આરોપ લગાવ્યો હતો કે, પોરબંદરના ફટાણા ગામમાં સર્વે નંબર 1073 હે.આ.ચો.મી. હે. 3-11-92 માં આવેલી તેમની આશરે દોઢ થી બે કરોડ રૂૂપિયાની જમીન આ આરોપીઓએ રૂૂ. 80,00,000/- માં ખરીદવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ, આરોપીઓએ જમીન ખરીદીને રૂૂ. 41,18,000/- નો દસ્તાવેજ બનાવી તેમને તેટલી રકમના ચેકો આપ્યા હતા. જોકે, દેવીબેનનો આરોપ હતો કે, આરોપીઓ તેમને ઘરેથી ઉપાડી જઈને તે તમામ રૂૂપિયા પરત ઉપડાવી લીધા હતા અને તેમની જમીન પચાવી પાડી હતી.
આ અરજી બાબતે પોલીસ સ્ટેશન ખાતેથી કાર્યવાહી ચાલુ હતી. દરમિયાન, દેવીબેને પોતાની પ્રથમ અરજી અને તે અંગેના નિવેદન બાદ તા. 26/05/2025 ના રોજ સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરીને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક નવી અરજી આપી. આ નવી અરજીમાં તેમણે હકીકત બદલીને જણાવ્યું કે, તેમણે પોતાની માલિકીની જમીન વેચાણથી આપી હતી અને અવેજની મુદ્દત પૂરી થઈ ન હતી. તેમને એમ કે તે મુદ્દતની તારીખ વીતી ગઈ છે તેવી ગેરસમજના હિસાબે તેમણે ઉપરોક્ત બાબતે અરજી કરી હતી.
નવી અરજીમાં દેવીબેને સ્પષ્ટ કર્યું કે, સામાવાળા કાનાભાઈ સરમણભાઈ જાડેજાની આ બાબતે કોઈ ભૂમિકા ન હતી અને તેમના નામનો ઉલ્લેખ કરવો તે તેમની ભૂલ હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, તેમનું સામાવાળા સાથે સમાધાન થઈ ગયું છે અને તેમને પૂરેપૂરી રકમ મળી ગઈ છે. અંતે તેમણે કબૂલ્યું કે, તેમણે જે આરોપીઓના નામ લખાવ્યા હતા, તેઓએ તેમની સાથે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું નથી.આમ, દેવીબેને પોતાના આર્થિક લાભ ખાતર પ્રથમ અરજી અને નિવેદનમાં ઇરાદાપૂર્વક રાજ્ય સેવકને ખોટી માહિતી પૂરી પાડીને ગુનો કર્યો હોવાનું સ્પષ્ટ થતા, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. ગોહિલે સરકાર તરફે દેવીબેન જીવાભાઈ મોઢવાડીયા વિરુદ્ધ પોલીસને ખોટી માહિતી આપવા બદલ ગુનો નોંધ્યો છે.