વેસ્ટઝોનના 6 વોર્ડમાં રૂા.127.14 કરોડના ખર્ચે નવા રોડ બનશે
સરકારની ગ્રાન્ટમાંથી વર્ષે એક ટેન્ડરના નવા નિયમ હેઠળ ઝોનવાઇઝ કામ હાથ ધરાશે
ચોમાસા દરમિયાન ધોવાઇ ગયેલા રોડ રસ્તાઓનુ પેચવર્ક કામ પૂર્ણ થઇ ગયુ છે અને એકશન પ્લાન અંતર્ગત ત્રણેય ઝોનમા નવા રોડ રસ્તા બનાવવાની જાહેરા કરવામાં આવી છે. દર વર્ષે સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટ માંથી રોડ રસ્તાના અલગ અલગ ટેન્ડર કરવામાં આવે છે. પરંતુ નવા નિયમ મુજબ હવે એક વર્ષમાં એક ટેન્ડર હેઠળ વેસ્ટઝોનના છ વોર્ડમાં રોડ પહોંળા કરવા અને નવા રોડનું કામ કરવા માટે રૂા.127.14 કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. જેના લીધે નવા વર્ષમા વેસ્ટઝોનના છેવાડાના વિસ્તારોમાં નવા રોડ બનશે.
મહાનગરપાલિકાના વેસ્ટઝોનમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વર્ષમાં રોડ રસ્તાનું ઝોન દીઠ એક ટેન્ડર નિયમ હેઠળ વેસ્ટઝોનમાં આવતા વોર્ડન નં.1, 8, 9, 10, 11 અને 12માં અગાઉ તૈયાર થયેલા રોડ પહોંળા કરવા માટે અને મંજૂર થયેલા તેમજ નવી ટીપી અમલમાં આવ્યા બાદ પ્રાપ્ત થયેલા નવા ડામર રોડ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દર વર્ષે ચોમાસા બાદ રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તાના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ સેન્ટ્રલ વેસ્ટ અને ઇસ્ટ ઝોનના રોડ રસ્તાના કામોની શરૂઆત 1લી ઓક્ટો.થી શરૂ કરવામાં આવી છે. જેમાં વેસ્ટઝોનના છ વોર્ડના નવા રોડ તેમજ પહોંળા રોડ કરવાના સહિતના કામોનું રૂા.127.14 કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.
વેસ્ટઝોન વિસ્તારમાં તાજેતરમાં ભળેલા મુજક, મનહરપુર, મોટા મવા, માધાપર અને ઘંટેશ્ર્વરના હાલમાં રહેલા અમૂક રોડ પહોંળા કરવામાં આવશે. તેમજ જે સોસાયટીઓમાં રોડ રસ્તાની સુવિધા ન હોય અને ગત વર્ષે મેટલીંગ કામ પૂર્ણ થઇ ગયુ હોય તેવા વિસ્તારોમાં પેવર રોડ બનાવવામાં આવશે. તેવી જ રીતે રીંગરોડ-2 ઉપર ટ્રાફિકનું ભારણ વધતા અને નવા તેમજ મવડી, વાવડી સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની કનેક્ટીવિટી રીંગરોડ સાથે જોડવામાં આવતા આ પ્રકારના તમામ રોડ ભારે વાહનોનું વહન કરી શકે તે રીતના પહોંળા અને મજબૂત બનાવવામાં આવશે. હાલ ટેન્ડર પ્રસિધ્ધ થયેલ હોય સંભવત ડિસેમ્બર માસ દરમિયાન વેસ્ટ ઝોનના છ વોર્ડમાં પેવર રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.
આવતા ચોમાસે રોડના પાણી 100% ઘરમાં ધુસી જશે
મનપા દ્વારા વેસ્ટ ઝોનના છ વોર્ડમાં રૂા.127.14 કરોડના ખર્ચ નવા પેવર રોડ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. પરંતુ વોર્ડ નં.1,8,9,10 અને 12માં આવેલ જૂની સોસાયટીઓના મુખ્ય રોડ ઉપર છેલ્લા 10 વર્ષથી થર ઉપર થર ચઢાવવામાં આવી રહ્યા છે. જેના લીધે અનેક સોસાયટીઓમાં મકાનના લેવલે રોડનું લેવ પહોંચી ગયુ છે. આથી હવે નવો ડામર પાથરવાના કારણે ચોમાસામાં રોડ ઉપર વહેતુ પાણી લોકોના ઘરમાં ધુસી જશે. મનપાના ઇજનેરો દ્વારા કયારેય રોડ રસ્તાનુ લેવલ નીયમ મુજબ કરવાનો પ્રયાસ હાથ ધરાયો નથી અને તે વિસ્તારના કોર્પોરેટરોએ પણ લોકોની આ સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો નથી. જેના લીધે આવતા ચોમાસામા અનેક સોસાયટીઓ જળબંબાકાર ન થાય તો જ નવાઇ લાગશે.