સાર્વત્રિક અઢીથી 4 ઇંચ વરસાદને લઈને જિલ્લાના અનેક જળાશયોમાં નવા નીર
જામનગર શહેરમાં વધુ સાડા ત્રણ ઇંચ: જામજોધપુરમાં 4 ઇંચ: જોડિયા અને કાલાવડમાં સાડા ત્રણ તેમજ લાલપુરમાં સવા બે ઈંચ જેટલો વરસાદ
જામનગર જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન અને મંગળવારની સવારના છ વાગ્યા સુધીમાં મેઘો મહેરબાન થયો હતો, અને સાર્વત્રિક અઢી થી ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો, જેના કારણે જામનગર જિલ્લાના 25 પૈકી 16 જળાશયોમાં નવા નીર આવ્યા છે. તેમજ ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડી જતાં જગતનો તાત ખુશ થયો છે. જામનગર શહેરમાં વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો, જયારે જામજોધપુરમાં ચાર ઇંચ અને કાલાવડ જોડીયામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળ્યા છે. જામનગર શહેરમાં સોમવારે વહેલી સવારથી મેઘ સવારી શરૂૂ થઈ હતી, અને સમગ્ર દિવસ દરમિયાન અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો. મંગળવારે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં કુલ 84 મી.મી. વરસાદ નોંધાયો હતો અને મોસમનો કુલ વરસાદ 129 મી.મી. થયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન જોડિયામાં 72 મી.મી., કાલાવડમાં 90 મી.મી., લાલપુરમાં 55 મી.મી., જ્યારે જામજોધપુરમાં 106 મી.મી. વરસાદ નોંધાયો હતો.
મંગળવારે સવારે પણ જામનગર શહેર જામજોધપુર અને લાલપુરમાં વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા. જયારે હજુ પણ વધુ વરસાદ પડે તેવો માહોલ બંધાયેલો જોવા મળી રહ્યો છે. સોમવારે પડેલા વરસાદના કારણે જામનગર શહેરને પાણી પૂરું પાડતાં રણજીતસાગર ડેમમાં સાડા ત્રણ ફૂટ નવું પાણી આવ્યું છે, તે જ રીતે રસોઈ ડેમમાં પણ નવા પાણીની આવક થઈ છે. સાથો સાથ જામનગર જિલ્લાના 25 ડેમો પૈકીના 16 ડેમમાં વરસાદી પાણીની આવક શરૂૂ થઈ છે, અને ધીમે ધીમે ડેમ ભરાઈ રહ્યા છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ બે થી ચાર ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ મળ્યા છે, જેના કારણે ખેડૂતો માટે કાચા સોના જેવો વરસાદ છે, જેના કારણે જગતનો તાત ખુશ થયો છે.
મોટા પીર ચોકમાં 70 વર્ષ જૂનો લીમડો ચાલુ વરસાદે ધરાસાઈ થયો
જામનગરમાં મોટા પીર ચોક વિસ્તારમાં હુજરાફળીમાં આવેલો 70 વર્ષ જૂનો લીમડો, કે જે ગઈકાલે દિવસ દરમિયાન પડેલા વરસાદના કારણે મોડી રાત્રે જમીનમાંથી ઉખડીને ધરાસાઈ થયો હતો. સદ્ ભાગ્યે કોઈ વ્યક્તિની અવરજવર ન હોવાથી જાનહાની ટળી હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડ શાખાને જાણ કરાતાં મોડી રાત્રે ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને લીમડાના ઝાડની ડાળીઓ વગેરેને કટ કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.