એઈમ્સમાં નવી રમત: મહિલા તબીબની માનસિક સંતાપની ફરિયાદમાં બિલાડીને જ દૂધના રખોપા
બોસ સામે ફરિયાદની તપાસ એક વર્ષ બાદ તેની નીચેના જુનિયર અધિકારીઓને સોંપી દેવાઈ
મહિલા તબીબે ફરી કલેકટરને કરી ફરિયાદ, ઈન્ટરનલ તપાસ કમિટી નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરી શકે તેમ નથી
ચાર અધિકારી સામે ફરિયાદ છતા એઈમ્સની આંતરીક ફરિયાદ સમિતિએ માત્ર એક અધિકારી વિરૂધ્ધ નિવેદન માટે મહિલા તબીબને નોટિસ પાઠવી
ગુજરાતની એક માત્ર રાજકોટ એઈમ્સમાં ઉપરી અધિકારીઓ સામે માનસિક પરિતાપની ફરિયાદ કરનાર સિનિયર મહિલા તબીબની ફરિયાદ અને રજૂઆતો સતત એક વર્ષ સુધી દબાવી રાખ્યા બાદ હવે આ મામલો મીડિયામાં ચર્ચાના ચકડોળે ચડતાં એઈમ્સ દ્વારા બિલાડીને જ દૂધનું રખોપુ સોંપવામાં આવ્યું હોય તેમ મહિલા તબીબે જે અધિકારી સામે ફરિયાદ કરી છે તેની નીચે કામ કરતાં જુનિયર અધિકારીઓને તપાસ સોંપી દેવામાં આવતાં મહિલા તબીબે ફરી એક વખત ગઈકાલે જિલ્લા કલેકટરને ફરિયાદ કરી ઉચ્ચસ્તરીય તપાસની સાથે ન્યાયની માંગણી કરતાં એઈમ્સના વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
દેશની વિવિધ મેડીકલ ઈન્સ્ટીટયુટમાં 17 વર્ષ સુધી ફરજ બજાવી છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટ એઈમ્સમાં ફરજ બજાવતાં સિનિયર મહિલા તબીબે ગઈકાલ તા.1 ઓકટોબરના રોજ રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ વધુ એક ફરિયાદ નોંધાવી છે અને તેમાં જણાવ્યું છે કે એઈમ્સમાં પોતે એક વર્ષ પહેલા કરેલી ફરિયાદ અંગે કોઈ તપાસ કરવામાં આવેલ નહીં પરંતુ આપની સમક્ષ 2 ઓગસ્ટના રોજ કરેલી ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. એઈમ્સ રાજકોટનાં ન્યામક ડો.ચંદનદેવસિંહ કટોચ, ડીન ડો.સંજય ગુપ્તા, વહીવટી અધિકારી જયદેવ વાળા, કાર્યકારી એચ.ઓ.ડી.અશ્ર્વિની અગ્રવાલ સામે તા.2 ઓગસ્ટનાં રોજ આપની સમક્ષ કરેલી ફરિયાદને ધ્યાને લેવા બદલ આપનો આભાર માનું છું.
મહિલા તબીબે ફરિયાદમાં જણાવ્યું છે કે ડીસીપી દ્વારા સપ્ટેમ્બર 2024માં મારી ફરિયાદ એઈમ્સની આંતરીક ફરિયાદ સમિતિને મોકલવામાં આવી છે અને આ અંગે તા,.23 સપ્ટેમ્બરના રોજ એઈમ્સની આંતરીક ફરિયાદ સમિતિ દ્વારા પોલીસ તરફથી પત્ર મળ્યાની મને મૌખીક જાણ કરવામાં આવી હતી અને આજે મને આંતરીક ફરિયાદ સમિતિ સમક્ષ હાજર થવા માટે નોટિસ મળી છે જેમાં માત્ર એક વ્યક્તિ વિરૂધ્ધ ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મારી ફરિયાદ ચાર વ્યક્તિ ડો.ચંદનદેવસિંહ કટોચ, ડીન ડો.સંજય ગુપ્તા, વહીવટી અધિકારી જયદેવ વાળા અને કાર્યકારી એચ.ઓ.ડી.ડો.અશ્ર્વિન અગ્રવાલ વિરૂધ્ધ છે. આમ છતાં માત્ર એક વ્યક્તિ સામેની ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મહિલા તબીબે વિશેષમાં જણાવેલ છે કે એઈમ્સની આંતરીક ફરિયાદ સમિતિમાં રાજકોટના કુલ પાંચ સભ્યો છે તેમાંથી 4 સભ્યો અધ્યક્ષ ડો.સિમ્મી મહેરા અને ત્રણ સહાયક પ્રોફેસર ફેકલ્ટીઓનો સમાવેશ થાય છે. હકીકતે આ ચારેય સભ્યોના વાર્ષિક સેવા અહેવાલો અને પ્રોબેશન પૂર્ણતાના રિપોર્ટ જેની સામે ફરિયાદ કરવામાં આવી છે તે વરિષ્ઠ અધિકારીઓ (એકઝીકયુટીવ ડીરેકટર, ડીન) દ્વારા જ ભરવામાં આવતાં હોય છે. મતલબ કે આ સભ્યો જેની સામે ફરિયાદ છે તે અધિકારીઓના તાબામાં જ કામ કરતાં હોય એઈમ્સની ફરિયાદ સમિતિ તટસ્થ કે સ્વતંત્ર તપાસ કરી શકે તેમ નથી.
મહિલા તબીબે નવી ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે, અગાઉ એક વર્ષ પહેલા મે ફરિયાદ કરી હતી ત્યારે પણ મારી ફરિયાદો અંગે કોઈ તપાસ કરવામાં આવી નથી કે પગલાં પણ ભરવામાં આવેલ નથી. આ ફરિયાદ અંગે કયારેય મને કોઈપણ પ્રકારનો પ્રતિભાવ પણ આપવામાં આવ્યો નથી અને એમ.સી.ડબલ્યુની ફરિયાદની જાણ હોવા છતાં એઈમ્સની આંતરીક ફરિયાદ સમિતિના અધ્યક્ષે વર્ષ દરમિયાન મારો કયારેય સંપર્ક કર્યો નથી. આજે પ્રથમ વખત મને બોલાવવામાં આવેલ છે પરંતુ ઉપરોકત કારણોસર તટસ્થ તપાસ થવા અંગે મને શંકા હોય જિલ્લા કલેકટર અથવા રાજ્ય કક્ષાના વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરાવવા ફરિયાદના અંતમાં માંગણી કરવામાં આવી છે.
મહિલા તબીબ વિરૂધ્ધ ફરિયાદ કરવા અન્ય તબીબો-સ્ટાફને દબાણ
ચેમ્બરમાં બોલાવી ગર્ભીત ધમકીઓ અપાય છે ?
રાજકોટ એઈમ્સના વહીવટી માફીયાઓ કેટલા શક્તિશાળી છે તેનો સૌથી આંખ ઉઘાડનારો દાખલો સિનિયર મહિલા તબીબનો છે. આ મહિલા તબીબે છેલ્લા એક વર્ષમાં માનસિક ત્રાસ અંગે મહિલા આયોગ, વડાપ્રધાન કાર્યાલય, જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નર સમક્ષ ફરિયાદો કરી છે. આમ છતાં આજ સુધી એક પણ અધિકારી સામે તપાસ થઈ નથી. ઉલ્ટાનું ફરિયાદ કરનાર મહિલા તબીબને જ ઠેકાણે પાડી દેવા માટે એઈમ્સના અન્ય તબીબો અને નર્સિંગ સ્ટાફને મહિલા તબીબ વિરૂધ્ધ નિવેદનો આપવા તથા ફરિયાદો કરવા માટે સુચનાઓ અને ગર્ભિત ધમકીઓ અપાતી હોવાની વિગતો પણ બહાર આવી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ચોક્કસ અધિકારીઓ અમુક તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને પોતાની ચેમ્બરમાં બોલાવી ફરિયાદ કરનાર મહિલા તબીબ વિરૂધ્ધ નિવેદન આપવા અથવા ફરિયાદ કરવા સીધુ દબાણ કરી રહ્યાં છે.
રાજકુમાર કોલેજમાં મહિલા તબીબના સંતાનોને ટોર્ચર
એઈમ્સના વહીવટી માફીયાઓ સામે ફરિયાદ કરનાર મહિલા તબીબની ફરિયાદ સતત એક વર્ષ સુધી અલગ અલગ ઓથોરિટીઓએ દબાવી રાખ્યા દરમિયાન મહિલા તબીબના રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતાં બાળકોને પણ ડારવવાનો પ્રયાસ થયાનું મહિલા તબીબે ફરિયાદમાં જણાવેલ છે. આ મહિલા તબીબે ગત તા.11-09-24નાં રોજ ગાંધીગ્રામ પોલીસ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેના રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતાં પુત્રને ગત તા.12-8-24નાં રોજ કોઈ વિદ્યાર્થીએ ધમકીની ભાષામાં ‘તારા મમ્મીને બોલાવ જે’ તેવું કહ્યું હતું. આ બાબતે મેં સ્કૂલમાં પણ રૂબરૂ અરજી આપી હતી. પરંતુ તે અરજી બાબતે પણ આજ દિવસ સુધી મને કોઈ જવાબ આપવામાં આવેલ નથી અને મારા બાળકોને લઈ મને ચિંતા થતી હોય કદાચ એઈમ્સના કેટલાક અધિકારીઓ સામે મેં ફરિયાદ કરી હોવાથી સ્કૂલમાં મારા બાળકોને હરેસ્મેન્ટ કરવામાં આવતું હોવાનું મને લાગી રહ્યું છે. જો કે આ બાબતે પણ રાજકુમાર કોલેજ કે પોલીસ દ્વારા શું તપાસ થઈ ? તે અંગે કોઈ સ્પષ્ટતા આજ સુધી થઈ નથી.