મનપાના ડ્રાઇવરોની હડતાળમાં નવો ફણગો: કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો છે તો પગાર શેનો ?
સોલિડ વેસ્ટ વિભાગ અને ફાયર વિભાગના કોન્ટ્રાક્ટ બેઇઝના 203 કર્મચારીઓ બે દિવસથી હડતાળ પર છે, ત્યારે જ તંત્રએ હકીકત જાણાવી
મહાનગરપાલિકામાં સોલીડ વેસ્ટ વિભાગના કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર ફરજ બજાવતા ડ્રાઇવરોએ છેલ્લા બે દિવસથી પગાર સહિતના મુદ્દે હડતાળ પાળી છે. જેમાં ગઇકાલે ફાયરવિભાગના પણ ડ્રાઇવરો પણ જોડાતા તંત્ર દ્વારા આજે હડતાળ મુદ્દે સત્ય હક્કીત જણાવી હતી જે મુજબ કોન્ટ્રાક્ટરની મુદ્દત પૂર્ણ થઇ ગઇ છે અને તંત્ર દ્વારા નવો વર્ક ઓર્ડર ન અપાતા ડ્રાઇવરોને કોન્ટ્રાક્ટરો કામ આપી શકતા નથી. તેવી જ રીતે આજ સુધીનો તમામ ડ્રાઇવરોનો પગાર અપાઇ ગયો છે. પરંતુ હવે પછી કામ કરવુ કે નહી અથવા કોન્ટ્રાક્ટર કયા આધારે ડ્રાઇવરોને પગાર આપી શકે તે સહિતના મુદ્દે કોકડું ગુંચવાતા તંત્ર હવે નવો વર્ક ઓર્ડર ચાલુ કોન્ટ્રાક્ટરને ન આપે ત્યા સુધી આ સમસ્યા રહેશે. તેમ જાણવા મળેલ છે.
મનપામાં મોટાભાગના વિસ્તારોમાં કોન્ટ્રાક્ટ બેઇઝના ડ્રાઇવરો ફરજ બજાવી રહ્યા છે. જેમાં ઇમરજન્સી ગણાતા અરોગ્ય અને ફાયર વિભાગમાં ડબલ ડ્રાઇવોર રાખવામાં આવેલ છે. ત્યારે ગત સોમવારે પગાર સહિતના મુદ્દે સોલીડ વેસ્ટ વિભાગના તમામ ડ્રાઇવરો હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને જે આજે પણ ચાલુ છે. તેવી જ રીતે ગઇકાલેથી ફાયર વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કામ કરતા તમામ ડ્રાઇવરો પણ પગાર સહિતના મુદ્દે હડતાળ ઉપર ઉતરી જતા તહેવારો ટાણે ઇમરજન્સી સેવાઓને ગંભીર અસર પહોંચશે. તેવુ લાગતુ હતુ આ ડ્રાઇવરોને પગાર નથી મળ્યો તેમ જાણવા મેળલ પરંતુ તંત્રના જણાવ્યા મુજબ આ ડ્રાઇવરોનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ જે એજન્સીને આપવામાં આવેલ તેની મુદ્દત ત્રણ માસ પહેલા પૂર્ણ થઇ જતા નિયમ મુજબ વધારાની મુદ્દત આપવામાં આવેલ તે પણ ગત માસે પૂર્ણ થઇ ગયેલ છે. નિયમ મુજબ નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ન ધરાય અને નવા કામનો વર્ક ઓર્ડર ન અપાય ત્યા સુધી જૂના કોન્ટ્રાક્ટરનું કામ ચાલુ રહેતુ હોય છે.
પરંતુ આ કિસ્સામાં કોન્ટ્રાક્ટની મુદ્દત ઉપરાંત વધારાની મુદ્દત પણ પૂર્ણ થઇ ગયેલ છે અને નવો વર્ક ઓર્ડર એજન્સીને આપવામાં આવ્યો નથી. તેવી જ રીતે તંત્રની બેદરકારીના કારણે ડ્રાઇવરોના કોન્ટ્રાક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા આજ સુધી હાથ ધરાય નથી અથવા સમયસર પૂર્ણ ન થતા આ ગંભીર સમસ્યા ઉભી થઇ છે. જેની સામે કોન્ટ્રાક્ટરે પણ નવો વર્ક ઓર્ડર ન મળેતો તંત્ર દ્વારા પેમેન્ટની ચૂકવણી ન થાય જેના લીધે ડ્રાઇવરોને નોકરી માથી છૂટા કરવા પડે અથવા પોતાના ખર્ચે નોકરી પર ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાય છે અને આ મડાગાડના લીધે ડ્રાઇવરો તથા કોન્ટ્રાક્ટર અને મહાનગરપાલિકા પરેશાન થઇ રહ્યા છે.
સમયસર ટેન્ડર કેમ થતા નથી ?
મનપાના 203 ડ્રાઇવરો છેલ્લા 3 દિવસથી હડતાળ ઉપર ઉતરી ગયા છે જેનુ કારણ એજન્સીને કોન્ટ્રાક્ટની મુદ્દત પૂર્ણ થઇ ગઇ છે અને નવો વર્ક ઓર્ડર આપવામાં ન આવતા આ સમસ્યા ઉભી થઇ છે. પરંતુ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ 3 માસની વધારાની મુદ્દત એજન્સીને આપવામાં આવી ત્યા સુધી જે તે વિભાગના અધિકારીઓએ નવી ટર્મ માટે ડ્રાઇવરોની જરૂરીયાત માટેની ટેન્ડર પ્રક્રિયા કેમ હાથ ન ધરી ? અથવા રી-ટેન્ડર પણ કેમ ન થયુ તેવા સવાલ કોન્ટ્રાક્ટરો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી અનેક વિભાગનો ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે. છતા પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આ મુદ્દે કોઇ પગલા લેવામાં આવ્યા નથી.!