શહેર ભાજપમાં નવા-જૂના વાસણો અંતે ખખડ્યા
મુકેશ દોશીને રીપિટ કરવા સામે જૂના જોગીઓનો મોરચો, બધાને સાથે રાખીને ચાલે તેવા નેતાને પ્રમુખપદ સોંપવા ચૂંટણી અધિકારી અને હાઈકમાન્ડને રજૂઆત
ગુજરાતમાં વોર્ડ અને તાલુકા ભાજપ પ્રમુખોની નિમણુંકોનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. અને 33 જિલ્લા તથા આઠ મહાનગરોના પ્રમુખોની નિમણુંકો ગમે ત્યારે જાહેર થાય તેમ છે. તે પૂર્વે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સામે કેટલાક જૂના જોગીઓ મેદાને પડ્યા છે. અને શહેર પ્રમુખને રિપીટ કરવાના બદલે જૂના-નવા કાર્યકરોને સાથે રાખીને ચાલે તેવા નેતાને પ્રમુખ બનાવવા ભાજપના ચૂંટણી અધિકારીઓ અને પ્રદેશ નેતાઓ સમક્ષ લેખિત રજૂઆત કરી હોવાનું બહાર આવતા ભાજપમાં અંદર ખાતે ચાલતો ઘુંઘવાટ હવેસપાટી ઉપર આવ્યો છે.
ગુજરાતમાં બદલાયેલી રાજકીય સ્થિતિ બાદ હાંસિયામાં ધકેલાઈ ગયેલ જૂના નેતાઓએ પત્રમાં વેદના ઠાલવી છે અને ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મહત્વના હોદા આપી કાર્યકરો ઉપર થોપી બેસવામાં આવતા હોવાનો આક્રોશ ઠાલવ્યો છે. વર્તમાન મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાના નામજોગ રજૂઆત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ બે પૂર્વ પ્રધાનો ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, પૂર્વ મેયરો જનકભાઈ કોટક, રક્ષાબેન બોળીયા, બીનાબેન આચાર્ય, વિગેરેની આગેવાનીમાં આ રજૂઆત કરાઈ છે. અને તેમાં અમુક માજી કોર્પોરેટરો તથા હોદેદારો તેમજ અમુક વર્તમાન કોર્પોરેટરો પણ જોડાયા હતાં.
આ નારાજ જૂથની મુખ્ય ફરિયાદ જૂના જોગીઓની અવગણનાની છે. વર્ષો સુધી જેમણે સંગઠનમાં મહેનત કરી છે તેવા કાર્યકરો-આગેવાનોને હાંસિયામાં ધકેલી દેવાયા છે. પાર્ટીના કાર્યક્રમોમાં પણ જૂના કાર્યકરો અને આગેવાનોને આમંત્રણ આપવામાં આવતા નથી.
આ ઉપરાંત મહાનગરપાલિકાના વહિવટદારમાં પણ અનેક વિવાદાસ્પદ નિર્ણયો લેવાતા હોવા છતાં શહેર પ્રમુખ દ્વારા ક્યારેય દરમિયાનગીરી કરવામાં આવી નથી.
આવી સ્થિતિ માં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને રીપિટ કરવાના બદલે જૂના-નવા સહિત સૌને સાથે રાખીને ચાલે તેવા આગેવાનને પ્રમુખ બનાવવા રજૂઆત કરાઈ હોવાનું જાણવા મળે છે. જો કે, પ્રમુખપદ માટે કોઈ આગેવાનનું નામ આ જૂથ દ્વારા સુચવાયું નથી.
જિલ્લા ભાજપ પ્રમુખમાં એક વ્યક્તિ એક હોદ્દાનો મુદ્દો ઉઠાવાયો
રાજકોટ શહેરની માફક જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાને પણ રીપિટ નહીં કરવા અને અન્ય કોઈ આગેવાનને પ્રમુખ બનાવવા ભાજપના મોવડીઓ સમક્ષ રજૂઆત કરાઈ હોવાનું જાણવા મળે છે. અલ્પેશ ઢોલરિયા હાલ ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન પણ હોવાથી એક વ્યક્તિ એક હોદાની રજૂઆત પણ કરાઈ છે. આ ઉપરાંત ઢોલરિયા અમુક આગેવાનોની અવગણના કરતા હોવાની પણ ફરિયાદ કરી તેના સ્થાને બધાને સાથે લઈને ચાલે તેવા આગેવાનને જિલ્લાનું સુકાન સોંપવા રજૂઆત કરવામાં આવી હતી.
પ્રમુખોની નિમણૂકનો મામલો દિલ્હી ખસેડાયો, કાલથી તબક્કાવાર જાહેરાત
ગુજરાત ભાજપના સંગઠનની પુન: રચનાની પ્રક્રિયામાં 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રમુખોની નિમણુંકોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અને હવે સમગ્ર મામલો દિલ્હી ખસેડવામાં આવ્યો છે. સંભવત: આવતીકાલથી નવા જિલ્લા-મહાનગર પ્રમુખોની તબક્કાવાર જાહેરાત કરવામાં આવશે. તેવું જાણવા મળે છે. આજે પ્રદેશ ભાજપના મહામંત્રીઓ સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. અને સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સી.આર. પાટીલ તેમજ જે.પી. નડ્ડા સાથે બેઠક યોજાયા બાદ હરેક જિલ્લા અને મહાનગરના પ્રમુખપદના નામ નક્કી કરવામાં આવશે. અમુક મહાનગરરો અને જિલ્લા પ્રમુખોની નિમણુંકોમાં વિવાદ થતાં તેમજ પ્રદેશ કક્ષાએ લોબિંગ શરૂ થતાં સમગ્ર મામલો દિલ્હી ખસેડાયો હોવાનું જાણવા મળે છે.