મોબાઇલમાં મશગૂલ રહેતા ધો.10ના છાત્રને પિતાએ ઠપકો આપતાં આપઘાતનો પ્રયાસ
આજના આધુનિક યુગમાં નાના બાળકોથી લઇ યુવાનો અને વૃધ્ધમાં મોબાઇલનું વળગણ જોવા મળે છે. વિદ્યાર્થીઓ ઉપર મોબાઇલની ગંભીર અસર થઇ રહી છે. અભ્યાસ કરતા વધારે બાળકો મોબાઇલમાં મશગુલ રહેતા હોવાથી ચિંતાનો વિષય બન્યો છે ત્યારે શહેરમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. મોબાઇલમાં મશગુલ રહેતા ધો.10ના છાત્રને પિતાએ ઠપકો આપતા લાગી આવવાથી તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ 150 ફુટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલી વિતરાગ સોસાયટીમાં રહેતા કૃષ્ણરાજ દિલીપભાઇ ધાધલ (ઉ.વ.17) નામના છાત્રએ આજે સવારે પોતાના ઘરે જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં કૃષ્ણરાજ બે ભાઇમાં મોટો અને ધો.10માં અભ્યાસ કરે છે. તેના પિતા વેપાર કરે છે. કૃષ્ણરાજ આખો દિવસ મોબાઇલમાં મશગુલ રહેતો હોય જે બાબતે તેના પિતાએ ઠપકો આપી વાંચવામાં ધ્યાન આપવાનું કહ્યું હતું. જેથી પિતાના ઠપકાનું માઠુ લાગી આવતા છાત્રએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.