થાનના કાસિયાગાળા ગામે માતાજીના દર્શન કરી પરત ફરતા અકસ્માતમાં ભત્રીજાનું મોત: કાકાને ઈજા
રાજકોટમાં ચુનારાવાડ વિસ્તારમાં શ્રમજીવી સોસાયટીમાં રહેતા કાકા-ભત્રીજો બે દિવસ પૂર્વે થાનના કાસીયાગાળા ગામે માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતાં ત્યારે હિરાસર એરપોર્ટ પાસે કારનું ટાયર ફાટતાં કાર કાકા ભત્રીજાના બાઈક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કાકા ભત્રીજાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ભત્રીજાનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં ચુનારાવાડ વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતા અરજણભાઈ રણછોડભાઈ રંગપરા (ઉ.50) અને તેમનો ભત્રીજો મહેશ પ્રવિણભાઈ રંગપરા (ઉ.40) ગત તા.17ના રોજ થાનના કાસીયાગાળા ગામે પોતાના કુળદેવી બુટભવાની માતાના દર્શન કરીને રાજકોટ પરત આવતાં હતાં ત્યારે હિરાસર એરપોર્ટ પાસે પહોંચતા અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કાકા ભત્રીજાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા મહેશભાઈ રંગપરાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક મહેશભાઈ રંગપરા બે ભાઈ બે બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કાકા ભત્રીજા માતાજીના દર્શન કરી પરત ફરત હતાં ત્યારે કારનું ટાયર ફાટતાં કાર બાઈક સાથે અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.