ભગતસિંહ ગાર્ડન પાસે ક્વાર્ટરમાં રહેતી નેપાળી સગીરાનો ગળેફાંસો ખાઇ આપઘાત
સગીરા તેમના કાકા-કાકી સાથે રહેતી હતી, કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી
શહેરમાં આપઘાતના બે બનાવોથી શોક છવાઈ ગયો છે.રાજકોટમાં 17 વર્ષીય સગીરા અને 40 વર્ષીય યુવાને આપઘાત કર્યાંના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. બંને બનાવમાં કારણ જાણવા પોલીસ તપાસ હાથ ધરી છે.પ્રથમ બનાવમાં રાજકોટના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર 770માં રહેતી સરિતા કરણભાઇ બુઢા (નેપાળી) (ઉં.વ.17)એ ગઈકાલે રાત્રે નવ વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. પરિવારજનોને જાણ થતા તુરંત 108 માં ફોન કર્યો હતો 108 ના ઇએમટી નિમિશ ઠાકુરે જોઈ તપાસી સ્થળ ઉપર જ સગીરાને મૃત જાહેર કરી હતી.
યુનિવર્સિટી પોલીસને જાણ થતા પીએસઆઈ એન. કે. પંડ્યા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા જરૂૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.પૂછપરછમાં જાણવા મળ્યું કે, સરિતાના માતા-પિતાના 15 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા છે. તેણી ત્રણ બહેનમાં બીજા નંબરની હતી. હાલ તે ભગતસિંહ ગાર્ડન પાસે આવેલ ક્વાર્ટરમાં પોતાના કાકા કાકી સાથે રહેતી હતી.
તેણી આસપાસના ઘરોમાં ઘરકામ કરવા જતી હતી.આપઘાતનું કારણ જાણવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.બીજા એક બનાવમાં શહેરના કોઠારીયા વિસ્તારમાં મીરા ઉદ્યોગ પાસે રામપાર્ક શેરી નંબર 4માં રહેતા જગદીશભાઈ રાયધનભાઈ ડવ (ઉં. વ. 40)એ ગઈકાલે રાત્રે 10:00 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો લગાવી લીધો હતો.108 ના એએમટી રમેશભાઈએ જોઈ તપાસી સ્થળ ઉપર જ જગદીશભાઈ ને મૃત જાહેર કર્યા હતા. આજીડેમ પોલીસને જાણ થતા એ.એસ.આઇ. જે. કે. કુરિયા સ્ટાફ સાથે દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ માટે ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.