ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટમાં પાર્કિંગના નિયમો મામલે પિતા-પુત્રને પાડોશીએ ફડાકા ઝીંક્યા
- યુવાને કહ્યું, નિયમોનું પાલન કયાં થાય છે? જેથી ત્રણ પાડોશી તૂટી પડ્યા
શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટમાં પાર્કીંંગના નિયમો મામલે એકઠા થયેલા પાડોશીઓ વચ્ચે માથાકુટ થઈ હતી અને પિતા-પુત્રને ત્રણ પાડોશીઓએ ફડાકા ઝીંકી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો તેમજ ત્રણેય શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
મળતી વિગતો મુજબ, ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટમાં ફલેટ નં.203માં રહેતા નિતીનભાઈ બાબુલાલભાઈ મકાતી (પટેલ) નામના 60 વર્ષના વૃધ્ધે તેમની ફરિયાદમાં તેમના એપાર્ટમેન્ટમાં રહેતા સચિન ભાલોડીયા, ધીરજલાલ અમરશી જાલરીયા અને જેન્તીભાઈ ભાલોડિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, પોતે નિવૃત્ત જીવન જીવે છે અને ગઈકાલે રાત્રિના સાડા દસેક વાગ્યે પોતે ઘર પર હતાં ત્યારે નીચે પાર્કીંગમાં એપાર્ટમેન્ટના લોકો એકઠા થયા હતાં અને પાર્કીંગના નિયમો મામલે વાતચીત કરતાં હતાં ત્યારે તેઓ અને પુત્ર પાર્થ પાર્કીંગમાં ગયા હતાં અને ત્યાં પાર્થે કહ્યું હતું કે પાર્કીંગના નિયમોનું પાલન કોણ કરે છે ? જે મામલે ચર્ચા ચાલતી હતી તેવામાં સચિનભાઈએ ઉશ્કેરાયને પાર્થને ફડાકો ઝીંકી દીધો હતો અને વચ્ચે પડેલા નીતિનભાઈને પણ ધીરજલાલે અને જેન્તીભાઈએ પકડીને માર માર્યો હતો. તેમજ સચિને ખુરશી વડે પાર્થને મારતાં હાથમાં ઈજા પહોંચી હતી તેમજ આરોપીઓ કહેતા હતા કે આજે તો તમને પતાવી જ દેવા છે. ત્યારબાદ 108 આવી જતાં પિતા-પુત્રને સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી ત્રણેય શખ્સોની શોધખોળ શરૂ કરી છે.