For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

46 બાળકો સહિત 68 લોકોને બચાવતું NDRF

04:04 PM Aug 21, 2025 IST | Bhumika
46 બાળકો સહિત 68 લોકોને બચાવતું ndrf

રાણાવાવની સીમ શાળાના 46 બાળકો, દ્વારકાના ભોગાત નજીક 17 સ્ત્રી-પુરુષો, દાતરડીના ત્રણ ખેડૂતો માટે NDRFના જવાનો દેવદૂત બન્યા

Advertisement

ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે, જેના કારણે પોરબંદર, દ્વારકા અને અમરેલી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ફાયર વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા, જેમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પાણીમાં ફસાયેલા 68થી વધારે લોકોને વિવિધ વિસ્તારમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

પોરબંદર
પોરબંદરના રાણાવાવ તાલુકામાં ભોરાસર સીમ શાળામાં ભારે વરસાદના કારણે 46 બાળકો ફસાયા હતા. સ્થાનિક વોકળામાં પાણીનો પ્રવાહ વધવા અને આસપાસના ખેતરોમાં પાણી ભરાવાને કારણે શાળા પરિસર પાણીથી ઘેરાઈ ગયું હતું. એનડીઆરએફની ટીમ અને વહીવટી તંત્રે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી, તમામ 46 બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા.

Advertisement

દ્વારકા
દ્વારકાના ભોગાત ગામ નજીક એક બિલ્ડિંગ ચારે બાજુથી પાણીથી ઘેરાઈ ગઈ હતી, જેના કારણે 17 લોકો (સ્ત્રી-પુરુષ અને બાળકો) ફસાયા હતા. ખંભાળિયા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બોટની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું. ફાયર વિભાગે કુશળતાપૂર્વક તમામ 17 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા.

અમરેલી
દાતરડી ગામે 3 ખેડૂતોનું દિલધડક રેસ્ક્યૂઅમરેલીના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક આડલયો અને રામતલિયા નદીઓમાં ધોધમાર વરસાદને કારણે પૂર આવ્યું, જેના લીધે ખેતરોમાં પાણી ફરી વળ્યું. આ પરિસ્થિતિમાં ત્રણ ખેડૂતો ગત રાતથી પાણીમાં ફસાયેલા હતા.

એનડીઆરએફની ટીમે ઝડપથી ઘટનાસ્થળે પહોંચીને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું અને ત્રણેય ખેડૂતોને સુરક્ષિત રીતે બચાવી લીધા.

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં પોરબંદર, દ્વારકા, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અને કચ્છ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વરસાદી સિસ્ટમને કારણે નદીઓ, વોકળાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકારે NDRF, SDRF, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને સ્ટેન્ડબાય રાખ્યા છે, અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દરિયાકાંઠે કલમ 144 લાગુ
રાજ્ય સરકારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે અને દરિયાકાંઠે કલમ 144 લાગુ કરવામાં આવી છે. NDRF અને SDRFની ટીમો સતત રેસ્ક્યૂ અને રાહત કાર્યમાં જોડાયેલી છે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા, નદીઓ અને વોકળાઓની નજીક ન જવા, અને કટોકટીની સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ કે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement