નાનામવા ટીપી સ્કીમ નં.20 ફાઈનલ, અપીલ કરતાઓ માટે છેલ્લી મુદત
રાજકોટ શહેરનો વ્યાપ વધતાની સાથે નવા ભળતા વિસ્તારોમાં આવેલ ટીપી સ્કીમોના ડ્રાફ્ટ તૈયાર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમજ વર્ષોથી બાકી રહી ગયેલી અનેક ટીપી સ્કીમોનો મુસદો જાહેર કરવામાં આવી રહ્યો છે. જેમાં વધુ એક ટીપી સ્કીમનો મુસદો જાહેર કરાયા બાદ ફાઈનલ ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી છે. મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ નગર રચના યોજના નં. 20 નાનામૌવાની આખરી યોજના જાહેર કરવામાં આવી છે.
અને હિતસબંધ ધરાવતી વ્યક્તિમાલીકોએ 30 દિવસમાં નિર્ણય સામે અપીલ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. નગરરચના યોજનાની સંપૂર્ણ માહિતી, નક્શાઓ, આરએમસી, મલ્ટી એક્ટિવીટી સેન્ટર નાનામૌવા સર્કલ ખાતેથી મળવા પાત્ર છે. તેમ નગરનિયોજકની યાદીમાં જણાવાયું છે. રાજકોટના નગર રચના યોજનાના નગર નિયોજક-2 અધિકારી દ્વારા નગર રચના યોજના નં-20 નાનામવાની આખરી યોજના અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.
જે અન્વયે નિયોનુસાર જે તે પ્લોટ માટે લેવાયેલા નિર્ણયોના ઉતારા, નમૂનો એક્સ મુજબ, નગર રચના યોજના નં-20 (નાનામવા)માં આવતી દરેક મિલકતોના માલિકોને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહી છે. આ નિર્ણયોથી અસંતોષ થયો હોય તેવી હિતસંબંધ ધરાવતી વ્યક્તિ-માલિકોને નિર્ણયોના ઉતારાની નકલ મળ્યેથી એક માસની અંદર, અપીલપાત્ર નિર્ણયોની સામે રાજ્યકક્ષાના બોર્ડ ઑફ અપીલના પ્રમુખ, બોર્ડ ઓફ અપીલની કચેરી, (સી/ઓ, મુખ્ય નગર નિયોજકની કચેરી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે, ચ-3, ક્રોસ રોડ, સેક્ટર-10/એ, ગાંધીનગર)ને જરૂૂરી કોર્ટ ફીનો સ્ટેમ્પ મેમોરેન્ડમની મૂળ નકલ ઉપર લગાવી ત્રણ નકલમાં લેખિત અપીલ અરજી કરી શકશે.
ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-53 મુજબ, ન.ર.યો.ના કેટલાક નિર્ણયો છેવટના છે, જ્યારે કલમ-54 મુજબ કેટલાક નિર્ણયો કલમ-55 મુજબ રચાતા અપીલ બોર્ડ સમક્ષ અપીલને પાત્ર છે. તૈયાર આખરી નગર રચના યોજનાની સંપૂર્ણ માહિતી, નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નિરિક્ષણ માટે, નગર રચના અધિકારી અને નગર નિયોજક -2, રાજકોટ નગર રચના યોજના, આર.એમ. સી. મલ્ટીએક્ટિવિટી સેન્ટર, પ્રથમ માળ, નાના મવા સર્કલ, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે, તેમ નગર નિયોજક -2 એચ.એમ. સોલંકીની યાદીમાં જણાવાયું છે.