જૂનાગઢમાં નબીરાએ બેફામ ગાડી ચલાવી પાંચ વાહનને ઉલાળ્યા
કારમાં બ્લેક ફિલ્મ લગાવી હોય પોલીસના દંડથી બચવા કાર પુરઝડપે ચલાવી હતી: નબીરા સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ, પાંચ વાહનોમાં નુકસાન
જૂનાગઢ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર એક યુવાન કારચાલકે પોલીસથી બચવા જતાં શહેરના મુખ્ય માર્ગો પર હોલીવુડ ફિલ્મ જેવા ભયાનક દ્રશ્યો સર્જ્યા હતા. માત્ર 19 વર્ષના આ બેકાબૂ યુવાને પોતાની કારને એટલી બેફામ ગતિએ હંકારી મૂકી કે રસ્તામાં આવતા રિક્ષા અને ફોર વ્હીલ સહિત કુલ 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે વાહનોને મોટું નુકસાન થયું હતું. ટ્રાફિક પોલીસે સતત પીછો કરીને આ બેકાબૂ કારચાલકને શહેરના જુના બસ સ્ટેશનમાંથી ઝડપી પાડ્યો હતો. સદનસીબે, આ સમગ્ર ઘટનાક્રમમાં કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ ન હતી.
આ સનસનાટીભરી ઘટનાની શરૂૂઆત શહેરના મુખ્ય ટ્રાફિક પોઇન્ટ આઝાદ ચોક નજીક થઈ હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપી કારચાલક માહિર યાકુબભાઈ હમીરાણી (ઉંમર 19 વર્ષ) મૂળ મેંદપરા ગામનો રહેવાસી છે. તે પોતાના એક સગીર મિત્ર સાથે ગાડીનો માલ-સામાન લેવા જૂનાગઢ આવ્યો હતો.માહિરની કારમાં બ્લેક ફિલ્મ લાગેલી હતી, જે ટ્રાફિક નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાય છે. આઝાદ ચોક નજીક જ્યારે ટ્રાફિક પોલીસે કારને રોકવાનો ઈશારો કર્યો, ત્યારે પોલીસ કાર્યવાહીથી બચવા માટે માહિર ડરી ગયો અને કારને બેકાબૂ ગતિએ હંકારીને પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કર્યો.
યુવાને કારને રોકવાને બદલે સ્પીડ વધારતાં ટ્રાફિક પોલીસે તેનો પીછો શરૂૂ કર્યો. પોલીસથી બચવા માટે કારચાલકે શહેરના સાંકડા અને ગીચ માર્ગો પર ‘મોતની દોડ’ લગાવી હતી. તેણે એક પછી એક અનેક વિસ્તારોમાંથી બેફામ કાર હંકારી અનેક વાહનોને ઠોકરે ચડાવ્યા હતા.આઝાદ ચોકથી શરૂૂઆત કરીને તે એ.જી. સ્કૂલ રોડ તરફ ધસી ગયો.ત્યાંથી એરટેલવાળી ગલીમાં પ્રવેશ કરીને પોલીસ હેડક્વાર્ટર લાઇન તરફ બેફામ કાર હંકારી.પોલીસ હેડક્વાર્ટર લાઇનમાંથી ગેબનશાહ પીરની દરગાહ થઈને વણઝારી ગેટ તરફ દોડ્યો.
વણઝારી ગેટથી ફરીને તે ફરી આઝાદ ચોક તરફ ભાગ્યો.ત્યારબાદ તે ફરી તળાવ દરવાજા તરફના રસ્તે ભાગ્યો અને અતિશય ગતિને કારણે તેની કાર ડિવાઇડર સાથે અથડાઈ, છતાં તે રોકાયો નહીં અને ડિવાઇડર સાથે અથડાયા બાદ પણ તે વૈભવ ફાટક તરફ ભાગ્યો અને ગાંધી ચોક થઈને ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પાસેથી ટર્ન લીધો.આખરે, પોલીસને ચકમો આપવાના છેલ્લા પ્રયાસમાં, તેણે ચર્ચ બાજુમાં આવેલા જુના બસ સ્ટેશનની અંદર કાર ઘુસાવી દીધી.અને આ બેકાબૂ કારચાલકે એમ.જી. રોડ સહિતના ભરચક વિસ્તારોમાં 5 જેટલા વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
ટ્રાફિક પોલીસે સતત ફિલ્મી સ્ટાઇલ પીછો જારી રાખ્યો અને જુના બસ સ્ટેશનની અંદર ઘૂસી ગયેલી કારને આખરે ઝડપી લીધી હતી. પોલીસે તાત્કાલિક આરોપી માહિર યાકુબભાઈ હમીરાણી અને તેની સાથેના સગીર મિત્રને દબોચી લીધા હતા.
સદનસીબે, આ અકસ્માતની શ્રેણીમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બેફામ ડ્રાઇવિંગને કારણે શહેરમાં થોડા સમય માટે ભય અને અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. પોલીસે આરોપીની અટકાયત કરીને તેની વિરુદ્ધ બેફામ ડ્રાઇવિંગ, અકસ્માત સર્જવા અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન (બ્લેક ફિલ્મ) બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.