નબીરાએ વૃદ્ધાને કાર હેઠળ 3.2 કિ.મી.સુધી ઢસડતાં મોત
રાજકોટના કણકોટથી કાલાવડ રોડ વચ્ચે મધરાત્રે બનેલી હિટ એન્ડ રનની ભયાનક ઘટના, અકસ્માત સર્જી નબીરો ફરાર, દારૂ ઢીંચ્યો હોવાની શંકા
રાજકોટમાં બેફામ બનેલા નબીરાઓ વારંવાર અકસ્માતે સર્જે છે. રાજકોટમાં હવે અમદાવાદ તથ્યકાંડ જેવી ઘટનાઓ પણ બની રહી છે. ગઈકાલે રાત્રે રાજકોટનાં કાલાવડ રોડ પર બનેલ હીટ એન્ડ રનની ઘટનામાં પુત્ર સાથે કચરો વિણતા વૃધ્ધાને એક અર્ટિકા કારના ચાલકે હડફેટે લીધા બાદ સાડા ત્રણ કિલોમીટર સુધી કાર નીચે વૃધ્ધાને ઢસડયા હતાં. જેથી આ વૃધ્ધાનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માત સર્જીને ભાગી છુટેલા અર્ટિકા કારના ચાલક સામે પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
રાજકોટમાં બનેલી અમદાવાદના તથ્યકાંડ જેવી ઘટના વખતે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં.
કણકોટ ગામમાં રહેતા વિજયાબેન બીજલભાઈ બથવાર (ઉ.64) નામના વૃધ્ધા પોતાના પુત્ર સાથે રાત્રે ભંગાર અને કચરો વિણવા નિકળ્યા હતાં ત્યારે રાત્રીનાં 11 વાગ્યાના સુમારે કણકોટ રોડ પર રાધે હોટલ પાસે પુત્ર દિનેશ પાણી પીવા ઉભો રહ્યો અને માતા વિજયાબેન આગળ ચાલીને કચરો વિણતા હતાં ત્યારે રોકડ પર પુરપાટ ઝડપે આવેલ અર્ટિકા કારના ચાલકે વિજયાબેનને ઠોકરે ચડાવ્યા હતાં. વિજયાબેન આ અર્ટિકા કારના આગળના ભાગે બોનેટ નીચે ફસાઈ ગયા હતાં. પરંતુ કાર ચલાવનાર નબિરાને એ ખ્યાલ ન રહ્યો અને સાડા ત્રણ કિલો મીટર સુધી વિજયાબેનને કાર નીચે ઢસડયા બાદ કણકોટના પાટીયા પાસે વિજયાબેન કારની નીચેથી રોડ પર ફેંકાયા હતાં. અકસ્માત સર્જીને નબીરો ભાગી છુટયો હતો.
આ ઘટનામાં વિજયાબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. પાછળ આવતાં પુત્રએ માતાને કાર ચાલકે ઢસડયા હોય ત્યારે તેણે દેકારો કરી રોડ સુધી ત્રણ કિલોમીટર દોડીને કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ પુરપાટ ઝડપે પોતાના ડ્રાઈવીંગના નશામાં મસ્ત આ નબીરો વિજયાબેનને સાડા ત્રણ કિલોમીટર સુધી ઢસડતો ગયો અને બાદમાં વિજયાબેન કારની નીચેથી રોડ ઉપર પટકાયા અને તેમનું મોત થયું છતાં પણ કાર ચાલકે કાર ઉભી રાખી નહીં અને તે ભાગી છુટયો હતો. બનાવની જાણ થતાં 108નો સ્ટાફ અને તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાતત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ઘટના અંગે દિનેશે પોતાના મોટાભાગ જગદીશને ફોન કરતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
રાજકોટમાં બનેલી આ હિટ એન્ડ રનની ઘટનામાં નિર્દોષ વિજયાબેનનું કરૂણ મોત થતાં પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. આ બનાવમાં તાલુકા પોલીસે અકસ્માત સર્જીને ભાગી છુટેલા નબીરાની અર્ટિકા કારના નંબર મેળવવા સીસીટીવી ફુટેજ ઉપર તપાસ કેન્દ્રીયત કરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી નબીરાની શોધખોળ શરૂ કરી છે. તાલુકા પોલીસ મથકના પીઆઈ હરિપરા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.
કણકોટથી કાલાવડ રોડ સુધીનું 3.2 કિ.મી.અંતર
ગત મોડી રાત્રે રાજકોટની ભાગોળે આવેલા કણકોટ ગામે એન્જિનિયરીંગ કોલેજ સામેની રાધે હોટલ પાસેથી કાર ચાલક નબીરાએ કચરો વીણતા વૃધ્ધાને હડફેટે લીધા હતાં અને અકસ્માત દરમિયાન કપડા ફસાઈ જતાં અર્ટીગા કાર સાથે કાલાવડ રોડ સુધી ઢસડાઈ હતી. અને કણકોટ રોડથી કાલાવડ રોડ ઉપર કારે ટર્ન લેતા જ વૃધ્ધાનો છુટકારો થયો હતો પરંતુ ત્યાં સુધીમાં તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું જે સ્થળે વૃધ્ધાને હડફેટે લીધા ત્યાંથી કાલાવડ રોડનું અંતર 3.2 કિલોમીટર થાય છે.
4 માસ પહેલા ખરીદાયેલી કાર સતિષકુમારના નામે
રાજકોટની ભાગોળે હિટએન્ડ રનની ઘટનામાં સંડોવાયેલ મારૂતી અર્ટીગા કાર નંબર GJ 03 NK 2095 હજુ ગત તા. 8 માર્ચ-2024ના રોજ એટલે કે માત્ર ચાર માસ પહેલા જ છોડાવાઈ હોવાનું અને કારના માલિકનું નામ સતિષકુમાર હોવાનું જાણવા મળ્યું છે.