શાપરમાં ભંગાર ચોરીના શકમંદની બહેનનું ભેદી રીતે મોત
માતા-પિતાનું 10 વર્ષ પૂર્વે દાઝી જવાથી મોત થયા બાદ ભાઈ બહેન દાદી સાથે રહેતા હતાં
રાત્રે ઘરે જ પડી જતાં મોત સાચુ કારણ જાણવા એફએસએલની મદદ લેવાઈ
રાત્રે ઘરેજ પડી જતાં મોત સાચુ કારણ જાણવા એફએસએલની મદદ લેવાઈગુજરાત મિરર, રાજકોટ,તા.2
શાપર વેરાવળાં રહેતી એક 19 વર્ષિય સગીરાનું પોતાના ઘરે રાત્રે પડી જવાથી શંકાસ્પદ મોત થતાં આ મામલે પોલીસે મોતનું સાચુ કારણ જાણવા એફએસએલની મદદ લઈ મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. મૃતક સગીરાનો ભાઈ શાપર પોલીસમાં ચોરીના ગુનામાં શકમંદ હોય જેની પુછપરછ માટે તેને છેલ્લા બે દિવસથી પોલીસ બોલાવતી હોય ત્યારે આ યુવાનની બેનના મોત અંગે રહસ્ય સર્જાયું છે. મૃતક સગીરાના માતા-પિતાનું દસ વર્ષૈ પૂર્વે અવસાન થયા બાદ હાલ દાદી સાથે ભાઈ બહેન રહેતા હોય ત્યારે પૌત્રીના મોતથી દાદી પણ ભારે આઘાતમાં ગરકાવ થઈ ગયા હતાં.
મળતી વિગતો મુજબ, શાપર વેરાવળ જુનાવાસમાં રહેતી મોનાલીશા હરસુખભાઈ સિંધવ (ઉ.19) નામની સગીરાને સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયા બાદ તેનું મોત થયું હતું. મોનાલીશાને સારવાર માટે લાવનાર તેના મામાએ પોલીસમાં નોંધ વખતે જણાવ્યું કે શનિવારના રોજ ભંગારના ડેલામાં ચોરી કરવા ગયેલ તેના ભાઈને પોલીસે ચોરીના ગુનામાં છેલ્લા બે દિવસથી પુછપરછ માટે બોલાવ્યો હોય જેથી ગભરામણમાં આવી ગયેલી મોનીલાશા રાત્રે ઘરે પડી ગઈ હોય અને તેને ઈજા થતાં તેનું મોત થયું છે.
આ મામલે શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઈ ઠાકોરે જણાવ્યું કે મોતનું સાચુ કારણ જાણવા માટે અને ખરેખર શું બનાવ બન્યો ? તે અંગે સ્પષ્ટતા કરવા હાલ એફએસએલની મદદ લેવામાં આવી છે તેમજ મોતનું સાચુ કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સી પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ, મોનીલાશાના માતા-પિતાનું દસ વર્ષ પૂર્વે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગવાથી દાઝી જવાથી મોત થયું હતું. ત્યારબાદ ભાઈ બહેન બન્ને તેના દાદી જયાબેન સાથે રહેતાં હોય અને બન્ને ભંગાર વિણી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે મોનાલીશાનું રહસ્યમય મોત થતાં આ મામલે પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે. પોલીસને ભાઈ બહેન વચ્ચે ઝઘડો થયાની માહિતી પણ મળી છે ત્યારે એફસએલ રિપોર્ટ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી પોલીસ કરશે તેમ સુત્રોએ જણાવ્યું છે.