મુસ્લિમો આતંકવાદ વિરુદ્ધ બોલીને ભારતીયતા સિધ્ધ કરે : શંકરાચાર્ય
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકનાં મોતની ઘટનાને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી કાઢી છે અને ચિંતા પણ વ્યક્ત કરી છે. શંકરાચાર્યએ કહ્યું હતું કે ભારત જેવા લોકતાંત્રિક દેશ માટે ચિંતાની વાત છે કે ધર્મવિશેષ લોકોને પૂછીપૂછીને મારવામાં આવે.
ચાર શંકરાચાર્યમાંથી સૌપ્રથમ દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્યએ વખોડી કાઢી અને દેશના લોકોને એકતા બતાવી આતંકવાદનો મુહતોડ જવાબ આપવા અપીલ કરી છે. શંકરાચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે મુસ્લિમ ધર્મના લોકો પાસે અપેક્ષા છે કે તેમણે આતંકવાદ વિરુદ્ધ બોલીને ભારતીયતા સિદ્ધ કરવી જોઈએ. કાશ્મીરના પહેલગામની દુ:ખદ ઘટનાથી એ સમજમાં આવી ચૂક્યું છે કે જે લોકો કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. સિદ્ધ થઈ ગયું છે કે આતંકવાદીઓએ ચોક્કસ ધર્મના લોકોને લક્ષ્યમાં રાખી હત્યા કરી.
ધર્મ શબ્દનો અર્થ ન જાણવાના કારણે આતંકવાદને ધર્મ સાથે જોડી દેવામાં આવે છે. આતંકવાદીઓનું તો એ જ કર્તવ્ય છે કે હત્યા કરો. ત્રેતાયુગમાં રાવણનું એ કર્તવ્ય હતું, દ્વાપરમાં કંસનો એ ધર્મ હતો. કળિયુગમાં આ આતંકીઓ રાવણ અને કંસના રૂૂપમાં ઉત્પન્ન થઈ આપણી રાષ્ટ્રીયતા પર હુમલો કરે છે. એકતાની આવશ્યક્તા છે. આજે આપણા દેશની ત્રણેય સેના એટલી મજબૂત છે કે આમને-સામને યુદ્ધ કરવાની તેમનામાં હિંમત નથી. ભારતને નિર્બળ કરવા માટે આતંકવાદનો આશરો લઈને વિદેશી ષડયંત્ર આ પ્રકારના કૃત્ય કરે છે. સમજવું જરૂૂરી છે કે આપણી એકતા જ તેનો ઉત્તર છે. તમામ હિન્દુઓએ પક્ષાપક્ષીથી પર ઊઠવું જોઈએ એ જ તેનો મુહતોડ જવાબ હશે.
અમે ઈચ્છીએ છીએ કે હિન્દુ સમાજ સનાતન ધર્માવલંબી આપણો સનાતન ધર્મ તો વસુધૈવ કુટુમ્બકમની અવધારણને ધારણ કરે છે. કોઈ પ્રત્યે દ્વેષની ભાવના નથી હોતી, પણ આપણી સુરક્ષા કરવાનો અધિકાર તો આપણે હોવો જ જોઈએ.
જે રીતે સ્વતંત્રતાનો અધિકારી પ્રાપ્ત કર્યો એ રીતે ધર્મપાલનની સ્વતંત્રતા પણ હોવી જોઈએ. આતંકવાદ સામે લડવા માટે આપણી એકતા જ સૌથી મોટી તાકાત છે. ભારત સરકાર, સ્વયંસેવી સંસ્થા, હિન્દુ ધર્માવલંબી, મુસ્લિમ ધર્મના લોકો પાસે પણ અપેક્ષા કરીએ છીએ કે તેમણે આતંકવાદ સામે બોલીને તેમની ભારતીયતા સિદ્ધ કરવી જોઈએ. કોઈને પણ ભારતમાં નિવાસ કરનારા કોઈપણ સમુદાયના લોકોને એ અધિકાર નથી કે તે આતંકવાદીઓને પ્રોત્સાહિત કરે. અમે લોકો અધ્યાત્મવાદી લોકો છીએ.