મનપાને ટેક્નિકલ ક્ષતિવાળી બસો ધાબડી દેવાઈ : કોંગ્રેસ
એસટીની ઈલેક્ટ્રિક બસ ગરમ નથી તો મનપાની કેમ થાય છે, એજન્સી સામે પગલા લેવાની માંગ
મનપાની ઈલેક્ટ્રીક બસમાં બેટરી હીટીંગ સહિતના ઈસ્યુ ઉભા થતાં અનેક રૂટ ઉપર બસ બંધ કરી દેવામાં આવી છે. જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરી રજૂઆત કરેલ અને જણાવેલ છે કે, એસટીની બસો અનેક કિલો મીટર સુધી દોડી રહી છે જે ગરમ થતી નથી અને મનપાની બસ કેમ ગરમ થાય છે આથી આવી ફોલ્ટ વાળી ઈલેક્ટ્રીક બસ મનપાને ધાબડી દેનાર એજન્સી વિરુદ્ધ પગલાલેવામાં આવે.
કોંગ્રેસ દ્વારા રજૂઆત કરી જણાવેલ કે, રાજકોટ શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવામાં શહેરમાં જે સીટી બસો દોડી રહી છે ટેકનિકલ ખામીને પગલે સુવિધાને બદલે સમસ્યા ઉદભવી છે. શહેરમાં 60 જેટલી બસો 45 ડિગ્રી તાપમાનમાં ગરમ થઈ જતા બંધ કરવી પડી હતી. સવા કરોડની બસ હોય તે બંધ થઈ જાય અને 40 લાખની બસ ઓન ધ રોડ ચાલી રહી છે. જે પગલે અનેક મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. આ તમામ બસોમાં ટેકનિકલ ક્ષતિઓ હોવાનું બહાર આવેલ છે. રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ જાણ્યા વગર ખરીદી કરી હોવાનું સ્પષ્ટ જણાય છે.
આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ શહેરમાં ચાલતી સીટી બસ 51 ડિગ્રી થી વધુ ગરમી સહન કરી શકતું નથી પરંતુ આ બસો રાજકોટમાં 45 ડિગ્રીમાં હાંફી ગઈ છે. અને આ ગરમ થયેલી સીટી બસ ના મશીનમાં એલર્ટ દેખાડતા તેને હોલ્ટ પર મૂકવી પડી હતી. રાજકોટ મહાનગરપાલિકા અને એજન્સી પીએમઆઇ સાથે આ અંગે ટેકનિકલ ક્ષતિઓ સુધારવા અંગે ચર્ચા કરી છે. ઊંચા તાપમાનમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઈલેક્ટ્રીક બસ બંધ કરવામાં આવી હતી પરંતુ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) દ્વારા ચલાવવામાં આવતી ઈલેક્ટ્રીક 21 બસો ઓન ધ રોડ રાજકોટમાં જ ચાલી રહી હતી.
એક સરખા સિદ્ધાંત અને ટેકનોલોજીની મદદથી ચાલતી બસોમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા બંધ કરાય અને એસટી તંત્ર દ્વારા ચાલુ રખાય ત્યારે મહાનગરપાલિકા દ્વારા આજી ખરીદ કરાયેલ એજન્સી શંકાના દાયરામાં છે. બસો બંધ કરવી પડે એ એજન્સીની ખામી દર્શાવે છે આ અંગે મુસાફરોને પડેલ તકલીફ બદલ એજન્સીને પેનલટી થવી જોઈએ અને જે બસો બંધ કરવામાં આવી છે તે તાત્કાલિક અસરથી જે કંઈ ખામી હોય તે સુધારી મુસાફરો હિતમાં તાત્કાલિક શરૂૂ કરવા મારી અપીલ છે.