મહાપાલિકાએ મુખ્ય માર્ગો પરથી વધુ 14 રેંકડી - કેબિન જપ્ત કરી
જામનગર શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ ખડકાયેલી રેંકડીઓના ત્રાસથી હેરાન પરેશાન નાગરિકોને રાહત મળી છે. કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા આજે એસટી રોડ, પ્લોટ પોલીસ ચોકી રોડ અને રણજીતસાગર રોડ પર વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 14 રેંકડીઓને જપ્ત કરવામાં આવી હતી. શહેરના મોટાભાગના જાહેર માર્ગો પર ખાણીપીણી, ફળ, શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓ વેચતા રેંકડીવાળાઓ આડેધડ રોડ પર ઊભા રહેતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી હતી.
આવા રેંકડીવાળાઓને અનેક વખત ચેતવણી આપવામાં આવી હોવા છતાં તેઓ પોતાના કૃત્યોથી બાજ આવતા ન હતા. જેના કારણે વાહન વ્યવહારને અસર થતી હતી અને નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોર્પોરેશને આ કાર્યવાહી હાથ ધરી છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે આજે સવારથી જ આ કાર્યવાહી શરૂૂ કરી હતી. એસટી ડેપોથી સુમેરકબ સુધી, એસટી ડેપોથી પોલીસ ચોકી રોડ અને રણજીતસાગર રોડ પરથી 14 રેંકડીઓને જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અનેક રેંકડીવાળાઓએ હડકંપ મચાવીને પોતાની રેંકડીઓ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ કોર્પોરેશનના સ્ટાફે સફળતાપૂર્વક કાર્યવાહી કરીને આ રેંકડીઓને જપ્ત કરી લીધી હતી. કોર્પોરેશનની આ કાર્યવાહીને લઈને શહેરના નાગરિકોમાં ખુશીનો માહોલ છે. નાગરિકોનું કહેવું છે કે, આવી કાર્યવાહીથી શહેરની સુંદરતા જળવાઈ રહેશે અને વાહન વ્યવહાર પણ સરળ બનશે. તેઓએ કોર્પોરેશનને આવી કાર્યવાહી સતત ચાલુ રાખવાની માંગ કરી છે.