ન્યારી ડેમના કાંઠે ફાર્મ હાઉસમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો મુંબઈનો શખ્સ ઝડપાયો
આઈડી આપનાર સહિત બેની શોધખોળ, રોકડ, ટીવી, લેપટોપ અને કાર મળી રૂા.5.73 લાખનો મુદ્દામાલ કબજે
હાલમાં આઈપીએલની મેચ ચાલુ હોય ક્રિકેટ ફિવર જોરદાર જામ્યો હોય સટ્ટોડિયાઓ પણ મેદાનમાં ઉતરી જતાં પોલીસે સટ્ટાખોરીની ડામવા માટે સક્રિય બની છે ત્યારે શહેરની ભાગોળે રામપર કળકોટ ગામની સીમમાં ન્યારી ડેમના કાંઠે ફાર્મ હાઉસમાં દરોડો પાડી ઓનલાઈન સટ્ટો રમાડતા મુંબઈના શખ્સની ઝડપી રૂા.5.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આઈડી આપનાર સહિત બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.સી.સાકરિયા, હેડ.કોન્સ.હરદેવસિંહ રાઠોડ, વિજય મેતા, કુલદિપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન રામનગર કળકોટ ગામની સીમમાં ન્યારી ડેમના કાંઠે આવેલા ગીરધરભાઈ પટેલના ફાર્મ હાઉસમાં ભાવેશ ઉપાઘ્યાય નામનો શખ્સ ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડ્યો હતો.
પોલીસે દરોડો પાડતા ફાર્મ હાઉસના બિલ્ડિંગમાંથી આઈપીએલની હૈદરાબાદ-મુંબઈ વચ્ચે રમાયરેલી ટી-20મેચ ઉપર સટ્ટો રમાડતો ભાવેશ વિઠ્ઠલદાસ ઉપાઘ્યાય (રહે.મીરા રોડ થાળે, મુંબઈ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન લેપટોપ, ટીવી, મોબાઈલ, સેટઅપ બોકસ, રોકડા રૂા. 12 હજાર અને કાર મળી કુલ રૂા.5.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ભાવેશ ઉપાઘ્યાય રાજકોટના મીત સોમૈયા પાસેથી અઞઊડઈઇં નામની માસ્ટર આઈડી મેળવી ચિરાગ વણઝારા ગ્રાહકોને આઈડી ફોરવર્ડ કરી હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે ચાલતી મેચ વચ્ચે હાર-જીતના સોદા રમાડતો હોવાનું ખુલવા પામ્યું હતું. આ અંગે ક્રાઈમ બ્રાંચે ત્રણેય શખ્સો વિરુઘ્ધ જુગારનો ગુનો નોંધી ભાવેશ ઉપાઘ્યાયની ધરપકડ કરી અન્ય બન્ને શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.