MSME સમાધાન કાઉન્સિલના શટ્ટર ડાઉન!
રાજકોટમાં જ 704 અરજી પેન્ડિંગ, 20 માસમાં માત્ર 11 અરજીનો નિકાલ, એક વર્ષથી તો બેઠક પણ મળી નથી
નાના ધંધાર્થીઓના કરોડો રૂપિયાના પેમેન્ટ અટવાયા, સરકારે મોટા ઉપાડે ધંધાર્થીઓના કાઉન્સિલ રચી નાખી પણ મોનિટરીંગના નામે મીંડુ
નાના ઉદ્યોગોના પેમેન્ટ વિવાદ ઉકેલવા સરકારે રચેલું ફોરમની દર મહિને યોજવાની બેઠકો યોજવાનું જ બંધ
ગુડસ એન્ડ સર્વિસ ટેકસની અમલવારી થયા બાદ મોટાભાગનાં વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમા સૌથી વધુ મુશ્કેલી લઘુઉદ્યોગ ધરાવતાં વેપારીઓને પડી રહી છે. નાના વેપારીઓના પેમેન્ટો અટવાય જતાં આર્થિક સમસ્યાઓએ ઘેરી લીધા હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદના અનુસંધાને કેન્દ્ર સરકાર દ્વારા સમાધાન યોજના અમલમાં મુકવામાં આવી હતી. જે સમાધાન યોજના થકી નાના વેપારીઓના અટવાયેલા નાણાંઓ પરત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેની દર મહિને મીટીંગ યોજવા સુચના આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી આ બેઠક નહીં યોજાતાં રાજકોટ સહિત ગુજરાતભરના નાના વેપારીઓનાં પ્રશ્ર્નોનું નિરાકરણ આવ્યું નથી અને કરોડો રૂપિયા ફસાઈ ગયા હોવાની રાવ ઉઠી છે.
વેપારી સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, લઘુ ઉદ્યોગોને આર્થિક મુશ્કેલી ન પડે અને સમયસર તેઓના નાણા મળી રહે તે માટે થઈને કેન્દ્ર સરકાર દ્વારા એમએસએમઈ સમાધાન યોજના શરૂ કરવામાં આવી હતી. આ સમિતિને દર મહિને બેઠક કરવાની સુચના આપવામાં આવી હતી. પરંતુ ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી આ બેઠક મળી નથી જેના કારણે મોટાભાગનાં જિલ્લાઓમાં અરજીઓનો ભરાવો થઈ ગયો છે. આ ભરાવાના કારણે નાના ઉદ્યોગ ધરાવતાં વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને કેટલાકના વ્યવહારો પણ ઠપ્પ થઈ જતાં ઉદ્યોગ ચલાવવા મુશ્કેલ થઈ ગયા છે.
એમએસએમઈ મંત્રાલયના ડેટા મુજબ રાજકોટમાં 1-1-2024 થી 31-12-2024 સુધીમાં 523 અરજીઓ કાઉન્સીલને કરવામાં આવી હતી. જેમાં 21.66 કરોડનો દાવો કરાયો હતો. આ વર્ષે 11 જેટલી અરજીનો નિકાલ કરી 1.99 કરોડ રિફંડ કરવામાં આવ્યા હતાં. 80 જેટલી અરજીઓને ડિસ્ટ્રોય કરવામાં આવી હતી. આ વર્ષે 1-1-2025 થી 21-8-2025 સુધીમાં 327 જેટલી અરજીઓ નાના ઉદ્યોગકારો દ્વારા કરાઈ છે. જેમાં 19.65 કરોડનો દાવો કરવામાં આવ્યો છે. આઠ મહિના વિતવા છતાં પણ એક પણ અરજીનો નિકાલ કરવામાં આવ્યો નથી. પરંતુ ડિસ્ટ્રોય કરેલી 53 અરજીમાં 2.46 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા હોવાના આંકડા સરકારની વેબસાઈટમાં દર્શાવવામાં આવી રહ્યાં છે.
નાના ઉદ્યોગકારો માટે સરકારે એમએસએમઈ સમાધાનની યોજના શરૂ કરી હતી. જેમાં 45 દિવસના પેમેન્ટની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ આ જોગવાઈ મુજબ રકમનું ચુકવણું કરવું મુશ્કેલ હતું અનેં વેપારીને 45 દિવસમાં નાણા ભરવા મુશ્કેલ હોવાના કારણે સરકારે આ યોજના શરૂ કરી હતી. જેમાં વેપારી દૈનિક રકમનું ચુકવણુ કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ કેટલાક વેપારીઓ આ જોગવાઈનો પણ લાભ ઉઠાવી શકતા ન હોવાના કારણે વેપારીઓ દ્વારા કાઉન્સીલમાં અરજી કરી હતી. પરંતુ આ કાઉન્સીલ હાલ નિષ્ક્રીય હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે અને છેલ્લા એક વર્ષમાં એક પણ બેઠક નહીં મળી હોવાના કારણે વેપારીઓમાં પણ દેકારો બોલી ગયો છે.
45 દિવસમાં પેમેન્ટ ન ચૂકવે તો આઈટીના લાભો અટકી જાય
એમએસએમઈ સમાધાન યોજનામાં 45 દિવસમાં પેમેન્ટ ચુકવવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ મુજબ 45 દિવસમાં વેપારીઓ જો પેમેન્ટ ચુકવતાં નથી તો તેમના ઈન્કમટેક્ષ સહિતના લાભો પણ અટકાવી દેવામાં આવે છે. જેના કારણે તેઓની આર્થિક મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે તેમ છે. તેવું વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યાર સુધી આવેલી અરજીઓ
જિલ્લા અરજી
રાજકોટ 2093
મોરબી 732
કચ્છ 617
જામનગર 470
ભાવનગર 272
સુરેન્દ્રનગર 305
અમરેલી 54
જૂનાગઢ 91
પોરબંદર 31
ગીરસોમનાથ 10
બોટાદ 13
દેવભૂમિ દ્વારકા 12