ગ્રાન્ટ વાપરવામાં સાંસદો ભારે કંજૂસ
1 વર્ષમાં 254.8 કરોડમાંથી માત્ર રૂા.10 કરોડ જ વાપર્યા
26 સાંસદોની લોકલ એરિયા ડેવલોપમેન્ટ ફંડની 95.8 ટકા રકમ હજુ વપરાઈ નથી, અનેક કામોની ભલામણો કરી પણ સમય મર્યાદામાં શરૂ થયા નથી
અમિત શાહ, સી.આર. પાટીલ સહિત 14 સાંસદોએ અનેક કામોની ભલામણો કરી છતાં એક રૂપિયાનું ફંડ પણ વપરાયું નહીં
કેન્દ્રમાં મોદી સરકારને જૂન માસમાં એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ ગુજરાતમાંથી ચૂંટાયેલા ભાજપના સાંસદસભ્યો એક વર્ષના ગાળામાં તેમને મળતી લોકલ એરિયા ડેવલોપમેન્ટ ફંડની 95.8 ટકા રકમ પણ વિકાસકામો પાછળ વાપરી શક્યા નહીં હોવાનો માહિતી અધિકાર ગુજરાત પહેલ સંસ્થાએ ઘટસ્ફોટ કર્યો છે.
જો કે, ઘણા કિસ્સામાં સાંસદોએ અનેક કામો સૂચવ્યા છે પરંતુ આ કામો સમય મર્યાદામાં મંજુર થયા ન હોવાથી ગ્રાન્ટ વપરાઈ નથી.
સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે, 18મી લોકસભાને એક વર્ષ પૂર્ણ થવા છતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મતવિસ્તાર ગાંધીનગરમાં, ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલના મત ક્ષેત્ર નવસારી ઉપરાંત અમદાવાદ ઈસ્ટ, અમદાવાદ વેસ્ટ, બનાસકાંઠા, છોટા ઉદેપુર સહિત 14 લોકસભા મત વિસ્તારમાં એક રૂપિયાનું ફંડ પણ વપરાયુ નથી. આ સાંસદોએ અનેક કામોની ભલામણો કરવા છતાં એક પણ કામ થયુ નથી.
એક તરફ મતદારો તેમના ચૂંટાયેલા સ્થાનિક સાંસદ સભ્ય પાસે વિકાસની અપેક્ષા અને આશા રાખી જુદા જુદા કામો લઈને જતો હોય છે, ત્યારે હકીકત જોઈએ તો સાંસદો તેમને મળેલા ફંડના 95.8% ફંડ વાપરી શક્યા નથી. માત્ર 4.2 ટકા ફંડ વપરાયું છે.
18 મી લોકસભાનું ગઠન જૂન-2024માં થયું MPLAD યોજના અંતર્ગત દરેક સંસદ સભ્યને વર્ષ દીઠ રૂૂ. 5 કરોડનું ભંડોળ તેમના મતવિસ્તારના વિકાસના કામો માટે ફાળવવામાં આવે છે.
MPLAD 2023 ની ગાઈડલાઇન અનુસાર લોકોની સુખાકારી અને વિકાસને લગતા વિવિધ પ્રકારના કામો કરી શકાય છે. તેમાં જાહેર આરોગ્ય, શિક્ષણ, જાહેર તેમજ સામૂહીક બિલ્ડીંગ બાંધકામ, પીવાનું પાણી અને સેનિટેશન, સિંચાઇ, ડ્રેનેજ અને પૂર રોકવા માટેના પ્રતિરોધક સ્ટ્રક્ચર, પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન, ખેતી અને ખેડૂત કલ્યાણ, ઉર્જા પુરવઠો અને વિતરણ વ્યવસ્થા તેમજ રેલ્વે, રોડ, પુલ અને રસ્તાઓ વગેરે કામો લઈ શકાય છે.
અત્યારસુધીમાં ગુજરાતના 26 સંસદ સભ્યોને કુલ 254.8 કરોડ બજેટની ફાળવણી કરવામાં આવી હતી. 5 જૂલાઈ 2025 સુધીમાં તેમાંથુ કુલ 10.72 કરોડ રૂપિયા એટલે કે માત્ર 4.2%નો જ ખર્ચ થયો છે. ભરૂચ સંસદીય મત ક્ષેત્રમાં સૌથી વધુ 1.73 કરોડ રૂપિયા ખર્ચાયા છે. બીજા ક્રમે પાટણ સાંસદીય ક્ષેત્રમાં 1.56 કરોડ ખર્ચાયા છે, જ્યારે ત્રીજા નામબરે સાબરકાંઠા સંસદીય મતક્ષેત્ર છે. જેમાં 1.08 કરોડનો ખર્ચ થાય છે.
સંસદ સભ્યોએ સૂચવેલા કામોની વિગતો જોતાં, નવસારી મતક્ષેત્રમાં સૌથી વધુ એટ્લે કે 297 કામોની ભલામણ થઈ છે, જ્યારે મહેસાણા મતક્ષેત્રમાં 271 કામોની ભલામણ થઈ છે અને ખેડા મતક્ષેત્રમાં 265 કામોની ભલામણ કરવામાં આવી છે.
ગાઈડલાઇન અનુસાર સંસદ સભ્ય દ્વારા ભલામણ કરવામાં આવે, તેના 45 દિવસમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. પરંતુ ઉપલબ્ધ વિગતો ચકસતાં ભલામણ થયેલા કુલ 3823 કામો પૈકી માત્ર 93 કામો પૂર્ણ થયેલ છે. જ્યારે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ મતક્ષેત્રમાં હજુ સુધી એક પણ કામ પૂર્ણ થયેલ નથી. આમ 26 મત ક્ષેત્રોમાંથી 14 મતક્ષેત્રોમાં એકવર્ષ દરમ્યાન એક પણ કામ કરવામાં આવેલ નથી.
MPLAD ફંડના ખર્ચની માહિતીમાં પારદર્શિતાનો અભાવ
www.mplads.sbi પોર્ટલ પર માત્ર ફળવાયેલ બજેટ, ખર્ચ, અને કામોની સંખ્યાની વિગત મળે છે. કયા ખઙ દ્વારા કયા ક્ષેત્રમાં કેટલું ફંડ વાપરવામાં આવ્યું તેનું વિશ્ર્લેષણ પોર્ટલ પર મળતું નથી. અગાઉના પોર્ટલમાં સંસદ સભ્ય જાતે તેમના દ્વારા ભલામણ કરવામાં આવેલ કામો પૈકી કેટલા કામો શરૂૂ થયા, કેટલાની ટેકનિકલ મંજૂરી મળી કે ન મળી? નામંજૂર થયેલા કામો અને કામોનો પ્રગતિ અહેવાલ વગેરે વિગતો જોઈ શકતા હતા, જે આશ્ચર્યજનક રીતે નવા પોર્ટલ પરથી ગાયબ છે.
