માતાઓ! દીકરીઓને રસોઈ જરૂરથી શીખવો
2011ની સાલથી આજ સુધી એશિયાના નંબર વન કુકરી શો, રસોઈ શોમાં એક્સપર્ટ શેફ તરીકે સેવા આપે છે ક્રિષ્ના કોટેચા
નાના-મોટા દરેક સેન્ટરમાં પ્રાપ્ય હોય એવી સામગ્રી વડે અત્યાર સુધીમાં 600 જેટલી મૌલિક રેસિપી બનાવી છે ક્રિષ્ના કોટેચાએ
બપોરનો સમય છે.ટીવી પર રોજની જેમ કુકિંગ શો ચાલી રહ્યો હતો. આ કુકિંગ શોમાં એક કોન્ટેસ્ટ વિશેની જાહેરખબર આવી.સાસુ સાથે પોતે પણ આ શો જુએ છે. કોન્ટેસ્ટની જાહેરખબર જોઈને તેમાં ભાગ લેવાનો વિચાર આવ્યો પણ પછી થયું કે આટલા મોટા શોમાં મારી રેસિપીનું શું આવે? પણ પછી એક ચાન્સ લેવાનો વિચાર આવે છે. રેસિપી મોકલી અને આશ્ચર્ય વચ્ચે રેસિપી સિલેક્ટ થાય છે.નેક્સ્ટ રાઉન્ડ માટે રાજકોટ અને પછી અમદાવાદ એમ પાંચ થી છ રાઉન્ડ પાર કરીને રસોઈની મહારાણી કોન્ટેસ્ટ જીતી જાય છે.કોન્ટેસ્ટ પૂરી થયા બાદ એ જ કુકિંગ શોમાં રેસિપી બતાવવા માટે આમંત્રણ મળે છે.કુકિંગ શો જોવાથી લઇ એ જ કુકિંગ શોમાં એક્સપર્ટ શેફ તરીકે સેવા આપી ઘર ઘરમાં જેનું નામ જાણીતું બન્યું છે તે મોરબીના સેલિબ્રિટી શેફ ક્રિષ્ના કોટેચાની આ વાત છે.
પોરબંદરમાં જન્મ થયો ત્યાં જ અભ્યાસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લઈને પોતાનામાં રહેલી જુદી જુદી આવડતને નિખારી. ભગવાનજીભાઈ દાવડા અને ચંદ્રિકાબેન દાવડાને સાત દીકરી અને એક દીકરામાં સૌથી નાના ક્રિષ્નાબેન. ઘરમાં મોટી બહેનો અને માતા હોવાના કારણે રસોઈ કરવાનું બહુ જ ઓછું બનતું, પરંતુ ઈતર પ્રવૃત્તિમાં ખૂબ જ ભાગ લેતા. તેઓ જણાવે છે કે પોરબંદરમાં લોકો તેમજ જુદી-જુદી સંસ્થાઓ અલગ-અલગ પ્રવૃત્તિમાં અગ્રેસર છે જેમાં ભાગ લેવાથી ઘણું શીખવા મળ્યું.અભ્યાસ પૂરો થતાં મોરબી લગ્ન થયા.અહીં સાસુ જસવંતીબેન પણ ખૂબ સરસ રસોઈ બનાવે તો સસરા સ્વ.ડો.રજનીકાંતભાઈ કોટેચા અને પતિ ડો.વિપુલ કોટેચા સ્વાદના શોખીન એટલે ક્રિષ્નાબેન પણ નવી નવી વાનગીઓ બનાવતા. તેઓનું માનવું છે કે પતિ અને પત્નીમાંથી એક બહાર કામ કરે તો બીજાએ પરિવારની જવાબદારી સંભાળવી જોઈએ તો જ બેલેન્સ રહે જેથી પોતે ક્યારેય બહાર કામ કરી કેરિયર બનાવવાનું વિચાર્યું નહોતું પરંતુ નિયતિએ સ્વાદની સફર કરાવી સફળતા ચખાડી.
2011ની સાલમાં કોન્ટેસ્ટમાં ભાગ લીધો ત્યારથી લઈને આજ સુધી એશિયાના નંબર વન કુકરી શો, રસોઈ શોમાં તેઓ એક્સપર્ટ તરીકે સેવા આપે છે. રસોઈ શોના પોતાના અનુભવો બાબત તેઓએ જણાવ્યું કે ,આ રસોઈ શોમાંથી ઘણું શીખવા મળ્યું છે. ફક્ત નવી રેસિપી નહીં પરંતુ ઓલઓવર ગ્રૂમિંગ થાય છે. તમારી રજૂઆત કરવાની રીત, તમારો દેખાવ, તમારી બોલવાની રીતભાત, સ્વભાવ બધું જ મેટર કરે છે.
એ સમયે સોશિયલ મીડિયા નહોતું અને રસોઈ શોની ભારે ચાહના હતી અનેક એવા મહિલા તેમજ પુરુષ દર્શકો મળતાં કે જેઓ રોજબરોજની રેસિપીની નોંધ રાખી બુક બનાવતા.એક મહિલાએ નાસ્તાની રેસિપી જોઈને કોરાનાના સમયમાં નાસ્તાનો બિઝનેસ શરૂૂ કર્યો, તો અન્ય એક મહિલાએ પ્રોટિન પાઉડરની રેસિપી જોઈને તે વેચવાનું શરૂૂ કર્યું આમ જ્યારે મારી રેસિપી દ્વારા કોઈને મદદ મળે છે ત્યારે વધુ ખુશી થાય છે.રસોઈ એ એવી કલા છે જે દરેક મહિલામાં ભગવાને મૂકી છે.વિપરિત પરિસ્થિતિમાં આ કલા ખૂબ ઉપયોગી સાબિત થાય છે.અત્યાર સુધીમાં સ્વાદ અને સ્વાસ્થ્યવર્ધક 600 જેટલી મારી મૌલિક રેસિપી રજૂ થઈ છે અને આ શોના 7000થી વધુ એપિસોડ થઈ ચૂક્યા છે.વર્લ્ડ રેકોર્ડ બનાવનાર આ શો સાથે જોડાવું મારા માટે ગૌરવની વાત છે.મારી સફળતામાં મારા પરિવારજનોનો મોટો ફાળો છે.
ક્રિષ્નાબેનની ખાસ વાત એ છે કે તેઓ એવી સામગ્રી વડે રેસિપી બતાવતા કે જે નાના-મોટા દરેક સેન્ટરમાં પ્રાપ્ય હોય.આ શો દ્વારા તેમને આગવી ઓળખ મળી છે એટલું જ નહીં બહાર જાય ત્યારે લોકો તેમની સાથે સેલ્ફી લે છે અને કામની પ્રશંસા કરે છે.તેઓને અનેક એવોર્ડ્સ પણ મળ્યા છે.પોરબંદરમાં તેઓની કોલેજને 25 વર્ષ પૂર્ણ થતાં પોતાના ક્ષેત્રમાં નામના મેળવેલ 25 વિદ્યાર્થીને સન્માનિત કરાયા જેમાં ક્રિષ્નાબેન પણ એક હતા.તેઓની પોતાની વેબસાઇટ પણ છે.તેઓ રસોઈ સિવાય પોતાના કપડાં જાતે જ સ્ટીચ કરે છે.ઘરમાં ગાર્ડન છે,જુદા-જુદા ફળો અને શાકભાજી વાવ્યા છે તેનું જતન પણ પોતે જ કરે છે.કચરાનું ખાતર બનાવે છે,પર્યાવરણનું જતન કરે છે.
.તેઓનું સ્વપ્ન એવી એકેડેમી ખોલવાનું છે જ્યાં જરૂૂરિયાતમંદ બહેનોને નવી રેસિપી શીખવી શકે અને કોઈ અન્ય જરૂૂરિયાત હોય તો તે પૂરી પાડી શકે.ક્રિષ્નાબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દીકરીઓને કુકિંગ જરૂર શીખવો
આજના સમયમાં કેરિયર ઓરિએન્ટેડ દીકરીઓ રસોઈ પ્રત્યે ઉદાસીન રહે છે તે બાબત દુ:ખ વ્યક્ત કરતા તેઓએ જણાવ્યું કે , દીકરીઓ ભલે કેરિયર બનાવે,આસમાન સુધી પહોંચે પણ રસોઈ બનાવતાં પણ શીખે.માતાઓ પ્રાઉડથી દીકરીને રસોઈ ન આવડવાનું જણાવે છે તે યોગ્ય નથી. આજે દીકરી રસોઈ અને રસોડાથી દૂર જતી જાય છે તે સમાજ માટે એલર્ટ છે.
શાળામાં એક વિષય તરીકે કુકિંગ જરૂરી
ક્રિષ્નાબેન જણાવે છે કે શાળામાં વિદ્યાર્થીઓ જેમ જુદા-જુદા વિષયો શીખે છે એ જ રીતે કુકિંગ પણ શીખવવું જરૂૂરી છે. આજે અમુક યુવાઓ દાળ-કઠોળના નામ ઓળખી શકતા નથી જે શરમજનક બાબત છે. ખોરાક આપણા જીવનની મહત્ત્વની જરૂૂરિયાત છે ત્યારે બાળકોને નાનપણથી જ તેના વિશે જાગૃત કરવા જરૂરી છે.