માવઠાએ ગૃહિણીઓનું ગણિત બગાડ્યું સિંગતેલમાં ડબ્બે રૂા.15નો વધારો નોંધાયો
ગુજરાતમાં ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં જોરદાર વધારો નોંધાયા છે, વરસાદી માહોલ વચ્ચે બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, અચાનક ભાવ વધી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. આજે રાજ્યમાં ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ખાસ કરીને સીંગતેલના ભાવમાં 15 રૂૂપિયાનો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં અત્યારે સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનું જોર છે જેના કારણે મગફળી સહિતના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે.
સીંગતેલના ભાવનાં ફરી એકવાર વધારો થયો છે, ગુજરાતમાં માર્કેટમાં અત્યારે સીંગતેલના ડબ્બાના ભાવમાં 15 રૂૂપિયાનો વધારો નોંધાયો છે. સીંગતેલના એક ડબ્બાનો ભાવ 2380 થી 2430 બોલાયા છે. ખાસ વાત છે કે, વરસાદી માહોલના કારણે પીલાણયુક્ત મગફળી ઓછી આવતા સીંગતેલના ભાવમાં આ અચાનક વધારો ઝીંકાયો છે. પરંતુ જો ફરી એકવાર મગફળીની બમ્પર આવક થશે તો ફરી તેલના ભાવમાં ઘટાડાની શક્યતા છે. આ વર્ષે મગફળીનો નીચામાં નીચો ભાવ 700 રૂૂપિયા આસપાસ અને ઊંચામાં ઊંચો 1,300 રૂૂપિયા આસપાસ રહ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે અમને મગફળીના ભાવ 1,300-1,400 રૂૂપિયા મળવા જોઈએ, પરંતુ હાલમાં અમને મગફળીના ભાવ 1,150 રૂૂપિયા આસપાસ મળી રહ્યા છે. ખેડૂતો જણાવે છે કે શરૂૂઆતમાં મગફળીના ભાવ 1,151 રૂૂપિયા ભરવામાં આવ્યા છે, જે અમારે માટે સંતોષકારક નથી. અમને 1,300 રૂૂપિયા આસપાસના ભાવની આશા હતી. સરકાર ટેકાના ભાવે ખરીદી તો કરે છે, પરંતુ અમારો વારો આવતો નથી અને પૈસા પણ મોડા મળે છે. ગયા વર્ષે અમને 1,200 રૂૂપિયા મળ્યા હતા અને આ વર્ષે માત્ર 1,100 રૂૂપિયા જ મળ્યા છે. મગફળીનું વાવેતર કરવામાં એક વીઘે 15થી 20 હજાર રૂૂપિયાનો ખર્ચ થાય છે, જે અમને પોષાતો નથી.
