કૂવામાં પડેલી દીકરીને બચાવવા માતાએ બીજી દીકરી સાથે ઝંપલાવ્યું, ત્રણેયનાં મોત
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યા કૂવામાં પડી જતાં બે દીકરી સહિત માતાનું મોત થયું છે. એક દીકરી અકસ્માતે પડી ગઈ હતી. જેથી બીજી દીકરી સાથે બચાવવા ગયેલી માતા પણ ડૂબી હતી. આ સમગ્ર બનાવના પગલે તેઓના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે.ફતેપુરાના આફવા ગામે મોવડી ફળિયામાં રહેતી પરિણીતા લીલાબેન વળવાઈ તેમજ તેમની બે પુત્રીઓ મોહીનીબેન અને દિવ્યાનીના મૃતદેહ આફવા ગામના મોવડી ફળિયાના કુવામાંથી મળી આવ્યાં હતા. પોલીસે માતા તેમજ બન્ને પુત્રીઓના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદમાં જણાવ્યાંનુસાર ફતેપુરાના આફવામાં રહેનાર લીલાબેન તેઓની બન્ને બાળકીઓ સાથે કુવા તરફ ગયા હતા. તે વખતે તેઓની બંને બાળકીઓ પૈકી મોટી દિકરી કે જેની ઉમર 2 વર્ષ છે તે તેમના ખેતરમાં આવેલો કુવો કે જે કુવો જમીનની સાથે સમતલ હોય આ બાળકી રમતા રમતા કુવામાં જોવા જતા અકસ્માતે કુવામાં લપસી ગઈ હતી. જેથી લીલાબેન તેમની એક વર્ષની નાની દિકરીને કેડમાં તેડેલી હાલતમાં બચાવવા જતા ત્રણેય મા-દિકરીઓ અકસ્માતે કુવામાં પાણીમાં પડી જતાં ત્રણેય ડુબી ગયા હતા. જેને પગલે તેઓના મોત થયા હતા.
આ મામલે પરિવારજનના સભ્ય મકવાણા ભરતભાઈએ જણાવ્યું કે, માતા અને તેમની બંન્ને પુત્રીઓના મૃતદેહ અમોને કુવામાંથી જોવા મળતાં અમોએ સ્થાનીક પોલીસને જાણ કરી હતી. આ બનાવમાં અમોને લાગે છે તેમ પુત્રીઓ કુવામાં પડી હશે અને તેઓને બચાવવા પુત્રીઓની માતાએ પણ કુવામાં ઝંપલાવ્યું હશે તેવુ અમારૂૂ અનુમાન છે, બાકી પરિવારમાં કોઈ અણબનાવ કે લડાઈ ઝઘડા અમોએ જોયા નથી. માટે પરિણિતાએ આત્મહત્યા જેવું પગલું ભરેલ ન હોવાનું અનુમાન છે.