માધાપર ગામે દીકરીને રમાડવા ગયેલા યુવાન પર સાસુ-સસરા, સાળાનો હુમલો
તમે મારો ફોન કેમ ઉપાડતા નથી? યુવાને કહેતા સસરાએ છરીના ઘા ઝીંકયા, સાળાએ પાઇપ અને સાસુએ દસ્તા વડે માર માર્યો
શહેરના જામનગર રોડ પર આવેલા માધાપર ગામે દિકરીને રમાડવા ગયેલા યુવાન પર તેમના સાસુ-સસરા અને સાળાએ છરી, પાઇપ અને દસ્તા વડે હુમલો કરતા તેમણે લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી હતી.
સ્વામીનારાયણ ચોક, અંબાજી કડવા પ્લોટ પાસે રહેતા અભય રમશેચંદ્ર ત્રિવેદી નામના યુવાને પોતાની ફરીયાદમાં સસરા રાજેશ જોષી, સાળો શુભમ અને સાસુ હેતલબેન જોષી વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. અભયે ફરીયાદમાં જણાવ્યું હતું કે પોતે કેમેરામેન તરીકે નોકરી કરે છે. તેમણે ચાર વર્ષ પહેલા માધાપર ગામે રહેતા રાજેશભાઇ જોષીની પુત્રી પ્રિયંકા સાથે આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. પ્રિયંકા દસ મહીનાથી તેમના માવતરે રહેવા ચાલી ગઇ છે. તેમજ તેમને પાંચ મહીનાની એક દિકરી વેદીકા પણ છે. અભયન સસરાએ તેવું નક્કી કર્યું હતું કે વેદિકાને રમાડવી હોય તો દર બુધવારે રાત્રી 9 વાગ્યે ત્યાં જવાનું.
ગઇકાલે બુધવારે રાત્રીના સમયે અભય માધાપર ગામે સિંધોઇનગરમાં રહેતા તેમના સસરા રાજેશભાઇ જોષીના ઘરે દિકરી વેદિકાને રમાડવા ગયો ત્યારે સસરા રાજેશભાઇ જોષીને તમે મારો ફોન કેમ ઉપાડતા નથી તેમ કહેતા સસરા ઉશ્કેરાઇ ગયા હતા અને રસોડામાંથી છરી લઇ આવી અભયને માથા પર અને આંખ પાસે ત્રણેક ઘા ઝીંકી દીધા હતા ત્યાર બાદ ઉગ્ર બોલાચાલી થતા સાળા શુભમે પાઇપ વડે આડેધડ ઘા ઝીંકયા હતા અને સાસુ હેતલબેન રસોડામાંથી દસ્તો લઇ અભય પર હુમલો કર્યો હતો.
માથે અને શરીરે ગંભીર ઇજાઓ થતા અભય લોહીલુહાણ હાલતમાં ત્યાંથી જીવ બચાવી ભાગી માધાપર ચોકડી પહોંચ્યો હતો અને ત્યાંથી તેમના મિત્ર અને બનેવીએ અભયને સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવતા પીએસઆઇ ભટ્ટ અને સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.