દીકરીના લગ્નની પીઠીની હળદર ખાંડતી વેળાએ હાર્ટએટેક આવતા માતાનું મોત
સંતાનોના વિવાહ જેવા પ્રસંગે માતા પિતાની જવાબદારી સાથેની લાગણી અનોખી હોય. પ્રસંગની તૈયારીઓ ચાલતી હોય અને અચાનક ઘરના મુખ્ય સભ્ય અંતિમ વિદાય લે તો વજ્રઘાત લાગે તેવો બનાવ મુંબઈના મુલુડમાં રહેતા કચ્છી લોહાણા પરિવારમાં ગત રવિવારે બન્યો. દીકરીનાં લગ્નની તૈયારીરૂૂપે રવિવારે સવારે લગ્નનાં ગીતો ગાતાં-ગાતાં પીઠી ચોળવાની હળદર ખાંડી રહેલા 51 વર્ષીય માતા રેખાબેન અરવિંદભાઈ સોનાઘેલાને હાર્ટ-અટેક આવતા તેઓ સૌની સામે જ ઢળી પડ્યાં હતાં.
અબડાસા તાલુકાના કોઠારા ગામના અરવિંદભાઈ 1985 થી મુંબઈ વસાવ્યું અને એપીએમસી, વાસીમાં જથ્થાબંધ વેપારી તરીકે વ્યવસાય શરૂૂ કરી મુલુંડમાં સ્થાયી થયા. ત્રણ સંતાનોમાંથી એક દીકરીનાં લગ્ન થઈ ગયાં છે અને ગુરુવારે બીજી દીકરી રવીનાનાં લગ્ન લેવાયાં હતાં તેવું જણાવતા પિતાએ કહ્યું હતું કે ઘરે લગ્ન પ્રસંગ હોવાથી રવિવારે સાંજે ઘરે ગાયત્રી પાઠ હતા. સવારે પરિવાર અને સ્નેહી મહિલાઓનો કાર્યક્રમ હતો. રિવાજ મુજબ પીઠી માટે ખાંડણી-દસ્તામાં હળદર ખાંડી રહ્યાં હતાં. મારી પત્ની રેખા પણ ખાંડતાં-ખાંડતાં ગીતો ગાઈ રહી હતી અને હ્રદયરોગનો હુમલો થતા ઢળી પડી હતી.
પાડોશી અને સોસાયટીના યુવાઓ તેને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પણ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. આ બનાવને પગલે દીકરીનાં લગ્ન મુલતવી રાખ્યાં છે. પરિવાર અંગે વધુ વિગત આપતા તેમના પિતરાઈ ભાઈ માંડવીના દીપકભાઈ સોનાઘેલાએ કહ્યું કે ધાર્મિક કાર્યોમાં અગ્રેસર રહેતા અરવિંદભાઈનો પરિવાર દર વર્ષે જખૌ દેવસ્થાને નિયમિત આવતા હતા.