પુત્રીને જન્મ આપ્યા બાદ બ્લીડિંગ થતાં પ્રસુતાનું બેભાન હાલતમાં મોત
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલ સુખસાગર સોસાયટીમાં રહેતી પરણીતાએ ગઈકાલે પુત્રીને જન્મ આપ્યા બાદ બ્લીડીંગના કારણે બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. પરણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં આવેલ સુખસાગર સોસાયટીમાં રહેતી સુનિતાબેન કેતનભાઈ ચૌહાણ નામની 36 વર્ષની પરણીતાને સાતમાં મહિને બ્લીડીંગ ચાલુ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પાણી ઓછુ હોવાથી બાટલા ચડાવ્યા હતાં.
ગઈકાલે સુનિતાબેન ચૌહાણે પુત્રીને જન્મ આપ્યો હતો. બાદમાં પરણીતાને બ્લીડીંગ ચાલુ થતાં બેભાન હાલતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજા બનાવમાં વીરડા વાજડી ગામે રહેતા સંજયસિંહ અભેસિંગ તલાટિયા ઉ.વ.37એ ગૃહ કલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.