દિવાળીને વૈશ્વિક ઓળખ મળતાં જામટાવર ખાતે રંગોળી, રોશની અને દીવડાથી ઉજવણી
ભારત માટે વધુ એક ગૌરવની ક્ષણ આવી છે. યુનેસ્કોએ ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા દિવાળી પર્વને ‘અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’ ની યાદીમાં સામેલ કર્યું છે. આ ગૌરવની ક્ષણને વધાવતાં રાજકોટના હેરિટેજ જામ ટાવર ખાતે રંગોળી, રોશની અને દીવડાઓ પ્રગટાવી ઉજવણી સાથે દિવાળીનો માહોલ સર્જાયો હતો.
ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા દિવાળી પર્વને વૈશ્વિક વિરાસતનો દરજ્જો પ્રાપ્ત થતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અભિનંદન પાઠવી સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ હોવાનું પોસ્ટ દ્વારા જણાવ્યું છે. દિવાળીનો તહેવાર પ્રભુ શ્રી રામના રાવણ પર વિજય પછી અયોધ્યા પરત ફરવાના પ્રસંગને ઉજવવા માટે મનાવવામાં આવે છે. આ પર્વ પ્રકાશના અંધકાર પરના વિજયનું પ્રતીક છે. ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા દિવાળી પર્વને યુનેસ્કોની અમૂર્ત વિરાસત સૂચિનો દરજ્જો મળતાં દિવાળીના તહેવારને વિશ્વભરમાં વધુ લોકપ્રિયતા મળશે.
રાજકોટ પુરાતત્વ વિભાગના સહાયક પુરાતત્વ નિયામક શ્રી સીદ્ધા શાહ તેમજ તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવની ક્ષણે ઉત્સવ પ્રેમી છાત્રાઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાદીમાં આ પહેલાં ગુજરાતના ગરબા, બંગાળની દુર્ગા પૂજા, કુંભ મેળો, યોગ, રામલીલા અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ જેવી પરંપરાઓનો સમાવેશ કરાયેલો છે.