ડુડસ વાછડાદાદાના દર્શને જતાં માતા-પુત્રને નડ્યો અકસ્માત : મહિલાનું સારવારમાં મોત
ઉનાના સિમર ગામે રહેતા માતા-પુત્ર 25 દિવસ પૂર્વે અમરેલીના ડુડસ ગામે વાછડાદાદાના મંદિરે દર્શન કરવા જતાં હતાં ત્યારે ચનખડતા પાસે ટ્રક ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સર્જાયેલા માતા પુત્રને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ગંભીર રીતે ઘવાયેલા મહિલાએ રાજકોટ સારવારમાં દમ તોડતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ઉનાના સિમર ગામે રહેતા શાંતુબેન ભીમાભાઈ બાંભણીયા (ઉ.47) અને તેનો પુત્ર રાજુ ભીમાભાઈ બાંભણીયા (ઉ.18) ગત તા.30/7નાં રોજ બાઈક લઈને અમરેલીના ડુડસ ગામે આવેલા વાછડાદાદાના મંદિરે દર્શન કરવા જતાં હતાં ત્યારે ચનખડતા પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા શાંતુબેન બાંભણીયાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક શાંતુબેન બાંભણીયાને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.