સવારે ઝાકળ વર્ષા, રવિવારથી ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ
ગત ડિસેમ્બર મહિનામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે કેટલાક ભાગોમાં માવઠા રુપી ઝાપટું પડ્યું હતુ. જે બાદ મહિનાના અંતિમ ત્રણેક દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ અત્યારે ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો તેમજ આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેના વિશે આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, હાલ ઉત્તર ભારતથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી પવનની દિશા બદલાઈ હોવાથી આગામી 5 જાન્યુઆરી સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત છે. અત્યારે ઉત્તર ભારતમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વહેલી સવારે ઝાકળ વર્ષા જોવા મળી રહી છે. તેમજ 3 ડિગ્રી સુધી તાપમાન ઊંચુ આવતા ઠંડીમાં ઘટાડો થયો છે. જે આગામી 4 જાન્યુઆરી સુધી રહી છે. જે બાદ 5 જાન્યુઆરીથી ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂૂ થઈ જશે.
ગત ડિસેમ્બર મહિનામાં ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં સામાન્ય કરતાં 30 ટકા ઓછી બરફ વર્ષા નોંધાઈ હતી. જો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા પાડોશી દેશોના પહાડો પર સારા એવા પ્રમાણમાં બરફ વર્ષા થઈ હતી. જેની અસરથી ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
આ જાન્યુઆરી મહિના દરમિયાન ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ડિસેમ્બરની સરખામણીમાં બરફ વર્ષાનું પ્રમાણ વધવાનું છે. આ સમયે મોટાભાગે ઉત્તરના પવનો ફૂંકાતા હોય છે. આ બર્ફીલા પવનો ગુજરાત સુધી પહોંચે છે. જેના પરિણામે ગુજરાતનું લઘુત્તમ તાપમાન ઘટી જાય છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતી હોય છે. જેથી આગામી 5 જાન્યૂઆરીથી ગુજરાતમાં ફરીથી રાબેતા મુજબ ઠંડીનો રાઉન્ડ શરૂૂ થઈ જશે.