સુરેન્દ્રનગરના દેદાદરા ગામે પ્રસાદી લીધા બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ
સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. પ્રસાદ લીધા બાદ 30થી વધુ લોકોની તબિયત અચાનક બગડી છે. પ્રસાદી આરોગ્યા બાદ 30થી વધુ લોકોને ઝાડા-ઉલટી થઈ ગયા છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોસ્પિટલમાં થોડો સમય દોડધામ મચી જવા પામી હતી.પ્રસાદી લીધા બાદ 30થી વધુ લોકોની તબિયત બગડતા તેમને સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યારે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફૂડ પોઈઝનિંગની અસરના દર્દીઓને કલાકો સુધી સારવાર ન મળતા હોસ્પટિલમાં ભારે હોબાળો મચ્યો હતો.બીજી તરફ ઘટનાની જાણકારી આરોગ્ય વિભાગને મળતા જ આરોગ્ય વિભાગની ટીમે દેદાદરા ગામમાં ધામા નાખ્યા છે અને હાલમાં આરોગ્ય વિભાગે પ્રસાદીના સેમ્પલ લીધા છે અને તેની તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને ગામમાં ભારે દોડધામ મચી ગઈ છે.
અગાઉ 3 ઓક્ટોબરે પણ દેવભૂમિ દ્વારકામાં યાત્રાળુઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આસામથી દ્વારકા દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આસામના 44 જેટલા યાત્રાળુઓએ શાક-ભાત આરોગ્ય બાદ 10થી 12લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેમાં 8 જેટલા યાત્રાળુઓને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રીના સમયે યાત્રાળુઓએ ભોજન આરોગ્ય બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી અને ત્યારબાદ તેઓને દ્વારકા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ યાત્રાળુઓ ભારત સેવાશ્રમ આશ્રમમાં રોકાયા હતા.