ત્રણ દિવસની ચૂંટણી તાલીમમાં 150થી વધુ કર્મચારીઓ ઘેર હાજર: નોટિસ અપાશે
- ચૂંટણી ફરજમાં ગુટલી મારનાર કર્મચારીઓનો સોમવારે ખુલાસો પૂછાશે : ચાર પ્રાંત અધિકારીઓ દ્વારા જુદા જુદા સ્થળે 9000 કર્મચારીઓને તાલીમ અપાઈ હતી
લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા 9000 જેટલી સરકારી કમર્ચારીઓની ઈવીએમ અને વીવીપેટ મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જુદા જુદા ચાર સ્થળે ત્રણ દિવસનો તાલીમ કેમ્પ યોજાયો હતો જેમાં તાલીમ કેમ્પમાં ગેરહાજર રહેલા 150 થી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તમામ તૈયારીઓને એક પછી એક આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ચૂંટણીની ફરજમાં નિમાયેલા 9000 થી વધુ કર્મચારીઓનો ત્રણ દિવસનો તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજકોટ શહેરના પ્રાંત અધિકારી-1 દ્વારા પીડીએમ કોલેજ ખાતે રાજકોટ પ્રાંત અધિકારી-2 દ્વારા વિરાણી હાઈસ્કૂલ, રાજકોટ પ્રાંત અધિકારી-3 દ્વારા આત્મીય કોલેજ અને ડીએસઓ દ્વારા ગર્વમેન્ટ પોલિટેકનીક કોલેજ ખાતે જુદા જુદા સરકારી કર્મચારીઓનો ત્રણ દિવસનો તાલીમ કેમ્પ રાખવામાં આવ્યો હતો.
સરકારી કર્મચારીઓના ત્રણ દિવસ ચાલેલા કેમ્પમાં જુદા જુદા બહાના હેઠળ તાલીમમાં હાજર નહીં રહેલા ચારેય પ્રાંતમાંથી 150 જેટલા કર્મચારીઓની યાદી જિલ્લા કલેકટરનાં ધ્યાન પર આવી છે જેમાં પ્રાંત-1માં 50 જેટલા કમર્ચારીઓ, પ્રાંત-2માં 14 જેટલા કર્મચારીઓ, પ્રાંત-3માં 18 જેટલા કર્મચારીઓ અને ડીએસઓની તાલીમમાં 60 જેટલા કર્મચારીઓ તાલીમ કેમ્પમાં હાજર રહેવાના બદલે ઘેર હાજર રહ્યા હતાં.
આ અંગે જિલ્લા કલેકટરને જાણ કરવામાં આવતાં તાલીમ કેમ્પમાં ગુટલી મારનાર 150 થી વધુ સરકારી કર્મચારીઓને સોમવારે નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચૂંટણીની તાલીમમાં હાજર નહીં રહેનાર તમામ સરકારી કર્મચારીઓના ખુલાસા પુછવામાં આવશે અને જો યોગ્ય ખુલાસો નહીં મળે તો તેમની સામે આકરા પગલા લેવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યાં છે.