For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોરઠમાં 10000થી વધુ લોકોનો સંપર્ક તૂટયો, રાવલ-ઘેડ પંથક બેટમાં ફેરવાયો

05:25 PM Jul 01, 2024 IST | Bhumika
સોરઠમાં 10000થી વધુ લોકોનો સંપર્ક તૂટયો  રાવલ ઘેડ પંથક બેટમાં ફેરવાયો
Advertisement

ઝરમરથી 8 ઇંચ સુધીના વરસાદથી સર્વત્ર પાણી-પાણી ; રસ્તાઓ પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર ખોરવાયો, ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન: નદીઓમાં ઘોડાપૂર: ફુલઝરમાં કાર ફસાઇ

સૌરાષ્ટ્ર અને સોરઠ પંથકમાં સવારથી મેઘરાજાએ સટાસટી બોલાવતા ઝરમરથી આઠ ઇંચ સુધી વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી કરી નાખતા આનંદની હેલી સાથે નુકશાનીનો માર પણ પડયો છે. ભારે વરસાદથી માણાવદર પંથકના 15 ગામો અને 10000 થી વધારે લોકો સંપર્ક વિહોણા થઇ ગયા છે. જયારે જુનાગઢ પંથકના ત્રણ રસ્તાઓ બંધ થતા અને રોડ-રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ ભારે અસર થઇ છે. સતત વરસતા વરસાદથી બાંટવાના ખારા ડેમના છ દરવાજા ખોલાયા છે. નદી-ચેકડેમોમાં નવા નીરથી ઓવરફલો થતા ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. જયારે ફુલઝરમાં એક કાર તણાઇ ગઇ હતી.

Advertisement

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વહેલી સવારથી એકથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચુક્યો છે.જિલ્લાના કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં બપોર સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગીર ગઢડામાં બે ઇંચ જેટલો તો વેરાવળ અને તાલાળામાં એક-એક ઇંચ જેટલો વરસાદ બપોર સુધી નોંધાઈ ચૂક્યો છે. માણાવદર તાલુકામાં ધોધમાર વરસાદથી 15થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે. તેમજ પાજોડ , સરાડીયા જતા રોડ પર ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. દ્વારકા જિલ્લામાં અનેક ખેતરો તળાવમાં ફેરવાયા છે. તેમજ કલ્યાણપુરના લાંબામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. જ્યારે રાવલ ગામ બેટમાં ફેરવાયું છે. બાંટવા ખારા ડેમના 6 દરવાજા ખોલાયા, નિચાણવાળા વિસ્તારના ભલગામ,એકલેરા, કોડવાવ, થેપલા સહિતના ગામોને એલર્ટ કરાયા. માણાવદર તાલુકાના 15થી વધુ ગામો ના રસ્તાઓ બંધ થતા સંપર્ક વિહોણા બન્યા છે. જૂનાગઢના જોષીપરા અંડર બ્રિજમાં પાણી ભરાયા હતા. જોષીપરા વિસ્તારમાં અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. જોષીપરાના રસ્તાને ડાયવર્ટ કરાયો છે. બાર ફૂટ સુધી પાણી ભરાયા છે.

પોરબંદર જિલ્લામાં અનારાધાર મેઘકૃપા, કુતિયાણામાં 8 ઇંચ વરસાદ સમગ્ર રાજ્યમાં મેઘરાજાની કૃપા જોવા મળી રહી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ રવિવારની રાત્રીના મેઘરાજા મનમુકી વરસ્યા હતા. સાર્વત્રિક 2થી 7 ઇંચ જેટલો વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તેમાં કુતિયાણામાં અનરાધાર વરસ્યો હોય તેમ 8 ઇંચ વરસાદ નોંધાયો હતો, આ વિસ્તાર જળમગ્ન બની ગયો હતો. પોરબંદરમાં પણ બે ઇંચ જયારે રાણવાવમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર વરસાદ પડવાના કારણે કુદરતી ધોધ વહેતો થયો હતો. પાટણવાવના ઓસમ ડુંગર પર આવેલ શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેના ધોધના કુદરતી દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ પડવાના કારણે અહીંયાનો કુદરતી ધોધ વહેતો થતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતો કુદરતી ધોધની સાથે સાથે પાટણવાવ ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી ઉઠી જૂનાગઢમાં ભારે વરસાદને પગલે માણાવદર તાલુકાના ત્રણ રસ્તા બંધ કરાયા છે. સમેગા-કોડવાવ રસ્તા પર સમેગા તળાવનું પાણી ભરાતા રસ્તો બંધ કરાયો છે. કોયલાણા - કોઠડી ઓજત નદીનું પાણી આવતા રસ્તો બંધ કરાયો છે.

બોડકા - પીપલાણા ઓજતનું પાણી આવતા રસ્તો બંધ કરાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારથી મેઘરાજાના મંડાણ થયા છે. અત્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં આઠ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ વરસી ગયો છે. ખંભાળિયામાં આજે ચાર કલાકમાં સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. મુશળધાર વરસાદના પગલે ખંભાળિયાની ઘી તથા તેલી નદીમાં ઘોડાપૂર. કલ્યાણપુરમાં સાડા પાંચ, ભાણવડમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જામજોધપુરના નરમાણા ગામ તેમજ આજુબાજુ સમાણા શેઠવડાળા વિસ્તારમાં ધોધમાર વરસાદ. જામજોધપુરના ગ્રામ વિસ્તારમાં વરસાદ વરસ્યો નરમાણા ગામમા રસ્તામાં પાણી ફરી વળ્યા. માર્ગ પર નદીની જેમ પાણીનો વહેણ જોવા મળ્યો. સોગઠી ડેમ ઓવર ફ્લો થયો ખેડૂતો ખુશખુશાલ. નરમાણા તથા આજુબાજુ સમાણા શેઠવડાળા વિસ્તારમાં વરસાદ થયો છે. જામનગર જિલ્લાના તાલુકામા કાલાવડમાં આજે સવારે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ, લાલપુર, જામજોધપુરમાં એક ઇંચ વરસાદ.

જામજોધપુર તાલુકામાં સાર્વત્રિંક વરસાદ વરસ્યો. સમાણા અને શેઠવાડા ગામે પાંચ -પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જે બાદ શહેરમાં પણ મેઘરાજાની ધામાકેદાર એન્ટ્રી થઈ હતી. સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં સવા ઇંચ, કાલાવડમાં સવા ત્રણ ઇંચ, જામજોધપુર લાલપુરમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં સારો વરસાદ પડતાં અમરેલીનાં ચેકડેમો ઓવરફ્લો થયા છે. શેડુભાર, ખીજડીયા, ચિતલ, બાબરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. માચીયાળા નજીક આવેલા ભીમનાથ મહાદેવ પાસે ઠેબી નદીનો ચેક ડેમ થયો ઓવરફ્લો. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવ્યાં છે.

ગઢડા તાલુકાના પાટણા ગામે આવેલી કાળુભાર નદીમાં પૂર આવ્યાં, ઉપરવાસના ગામોમાં સારો વરસાદ પડતાં કાળુભાર નદીમાં પૂર આવ્યા છે. નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં આનંદ છવાયો છે. રાજકોટ ગોંડલના વાસાવડ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી વાસાવડી નદી બે કાંઠે થઈ છે. નદીકાંઠા ના લોકોને સાવચેત કરવામાં આવ્યાં હતા. રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબડીમા ધોધમાર વરસાદ. ગત મોડી રાતથી આજ સવાર સુધીમા 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. નાની પરબડીની ફુલજર નદી ઓવરફ્લો થતા નાની પરબડીથી ચોકી તરફનો જવાનો મુખ્ય માર્ગ પાણીના પ્રવાહના કારણે બંધ થયો. નાની પરબડીની ફુલજર નદીના પાણીમાં પ્રવાહમાં બોલેરો કાર ફસાઇ હોવાના દ્દશ્યો સામે આવ્યાં નાની પરબડીના સ્થાનિક લોકોએ બોલેરો વાહનને ખેંચી અને વાહનને તેમજ ચાલકનો બચાવ કર્યો હતો.

ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદથી ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, મજેઠી, કુંઢેજ, તલંગણા સહિતના વિસ્તારોમાં 5 થી 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક વોંકળામાં વરસાદી પાણી ભરાતા પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે તો સાથે જ શહેરી વિસ્તારોમાં પણ અનેક નીચાણ વાળા વિસ્તરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે લાઠ ગામથી અન્ય ગામને જોડતા બેઠી ઢાબીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે જેના કારણે બસોને પણ થંભાવી દેવામાં આવી છે.

ઓજત વિયર, સોરઠી અને નાના ચેક ડેમો નવાં નીરથી ઓવરફ્લો
જૂનાગઢ પંથકમાં ભારે વરસાદથી વંથલીમાં આવેલો ઓજત વિયર ડેમ અને જામ જોખપુરનો ઓરઠી ડેમમાં નવાનીર આવતા ઓવરફ્લો થઇ ગયા છે. ઓજત ઓવરફ્લો થતા વંથલીના નાના કાજલીયારા, શાપુર સહિત ચાર ગામોને સાવચેત કરાયા છે. તેમજ ચેકડેમો પણ ઓવર થતા નિચાણવાણા વિસ્તારને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement