મોરબી મહાપાલિકાની પૂર્વ-પશ્ર્ચિમ ઝોનમાં વહેંચણી કરી કામગીરીનું કરાયું વિભાજન
નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાના બે પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ-3 નિમણૂક કરાઇ
મોરબી મહાપાલિકામાં આજુબાજુના ગામનો સમાવેશ કરેલ છે ત્યારે દરેક વિસ્તારમાં ઝડપથી કામ કરવામાં આવે તેના માટે મોરબી મહાપાલિકાના બે ભાગ કરવામાં આવેલ છે અને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોન કર્યા છે અને તે ઝોનમાં જે વિસ્તાર આવતો હશે તે ઝોનમાં જઈને લોકોને હવે તેની ફરિયાદ આપવાની રહેશે અને ત્યાંથી જ તેને મહાપાલિકાની કે સરકારી સેવાનો લાભ મળશે.
મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા નગરના બે ઝોન કરવામાં આવેલ છે જેમાં બન્ને ડેપ્યુટી કમિશનરોને એક એક ઝોનની જવાબદારી સોંપી દેવામાં આવી છે. હાલમાં જે બે ઝોન બનાવવામાં આવેલ છે તેમાં પૂર્વ ઝોનમાં ભડિયાદ (જવાહર), ત્રાજપર (માળિયા વનાળીયા), મહેન્દ્રનગર (ઇન્દિરાનગર), અમરેલી અને નગરપાલિકા વોર્ડ નં.2, 3, 4, 5, 6, 13 અને પશ્ચિમ ઝોનમાં શકત શનાળા, રવાપર, લીલાપર, નાની વાવડી, માધાપર/વજેપર ઓ.જી. અને નગરપાલિકા વોર્ડ નં.1, 7, 8, 9, 10, 11, 12 નો સમાવેશ થાય છે
વધુમાં મળેલ માહિતી મુજબ ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાને પશ્ચિમ ઝોન અને સંજયકુમાર સોનીને પૂર્વ ઝોનની જવાબદારી સોંપવામાં આવેલ છે અને મહાપાલિકા વિસ્તારમાં વહીવટી સરળતા માટે તેમજ લોકોના કામનો ઝડપી થાય તેના માટે આ બે ઝોનમાં શહેરને વિભાજીત કરવામાં આવ્યું છે અને પૂર્વ ઝોનની ઓફિસ મોરબીના રેલ્વે સ્ટેશન રોડે આવેલ રેઇન બસેરામાં કાર્યરત કરવામાં આવશે અને પશ્ચિમ ઝોનની ઓફીસ મોરબી મહાપાલિકામાં જ કાર્યરત રહેશે.
મોરબી મહાપાલિકાની રચના કરવામાં આવ્યા બાદ સરકારી નવી ઊભી કરેલ જગ્યાઓ ઉપર એક પછી એક અધિકારીની નિમણુંક કરવામાં આવી રહી છે અને તાજેતરમાં નગર આયોજન અને મુલ્યાંકન ખાતાના પ્લાનીંગ આસીસ્ટન્ટ વર્ગ-3ની નિમણુંક કરવામાં આવી છે જેમાં કલ્પેશકુમાર એ. કાછડીયા અને કૃતિ બી. ખોખાણીને પ્લાનિંગ આસિસ્ટન્ટનો વધારાનો ચાર્જ આપવામાં આવેલ છે.