મોરબી દોઢ કરોડના વિદેશી દારૂકાંડના ઘેરા પડઘા: એલસીબી, તાલુકા પીઆઈ સસ્પેન્ડ
- સ્ટેટ મોનિટરિંગ સેલના રિપોર્ટના આધારે ચૂંટણી પંચના આદેશથી ડી.જી.એ લીધું આકરું પગલું
મોરબી નજીક લાલપર ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આંઠ માસથી અમદાવાદના કુખ્યાત બુટલેગર સહિતના બે શખ્સોએ ગોડાઉન ભાડે રાખી સૌરાષ્ટ્રભરમાં મોટાપાયે વિદેશી દારૂ સપ્લાય કરતા હોવાનું સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાજેતરમાં જ દરોડો પાડી દોઢ કરોડના વિદેશી દારૂ અને વાહનો મળી 2.20 કરોડના મુદ્દામાલ સાથે ગોડાઉન મેનેજર સહિત એક ડઝન શખ્સોની ધરપકડ કરી હતી. આ દારૂકાંડમાં સ્ટેટ મોનેટરીંગ સેલના રિપોર્ટના આધારે ચૂંટણીપંચના આદેશથી રાજ્યના પોલીસવડાએ મોરબી એલસીબી પીઆઈ અને તાલુકા પીઆઈને સસ્પેન્ડ કરીદેવાનો હુકમ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ એક સપ્તાહ પહેલા સ્ટેટ મેનેટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરિયા સહિતના કાફલાએ મોરબીના લાલપર ગામે આવેલ ગોડાઉનમાં છાપો મારે દોઢ કરોડનો વિદેશી દારૂ અને વાહનો મળી કુલ રૂા. 2.20 કરોડના મુદ્દામાલ સાથે ગોડાઉન મેનેજર મજુર અને ટ્રક ચાલક અને વાહન ચાલક સહિત એક ડઝન શખ્સોની ધરપકડ કરી હતી.
એસએમસીની તપાસમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના કુખ્યાત બુટલેગર જીમીત અને રાજસ્થાનના બુટલેગરની સંડોવણી ખુલી હતી જ્યારે આઠ મહિનાથી ગોડાઉન ભાડે રાખી સૌરાષ્ટ્રભરમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરતા હોવાનું બહાર આવ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે સાન્વી ટ્રેડિંગ નામની ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા થોડા દિવસ પહેલા રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપરથી કિંમત 1.51 કરોડ રૂૂપિયાનો દારૂૂ તેમજ બે ટ્રક, બે બોલેરો અને એક હોન્ડા સિટી કાર સહિત કુલ મળીને 2.20 કરોડનો મુદામાલ કબ્જે કરીને 10 આરોપીઓને પકડવામાં આવેલ હતા અને મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને 21 આરોપીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી આ અંગેની જાણ ચૂંટણી પંચને કરવામાં આવી હતી અને ત્યારબાદ પંચના આદેશ મુજબ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા હાલમાં મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ ડી.એમ. ઢોલ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એમ. વાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેથી રાજ્ય પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
વિદેશી દારૂકાંડમાં સ્થાનિક પોલીસ ઉપરાંત બ્રાંચના પીઆઈ સસ્પેન્ડ થયા હોય તે આ પહેલો દાખલો જોવા મળી રહ્યો છે. મોરબીના વિદેશી દારૂકાંડમાં એક સાથે બે-બે પીઆઈનું ભોગ લેવાતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.