ચોમાસાની અસર, બે માસમાં દસ્તાવેજોમાં 17 ટકાનો વધારો
એપ્રિલ માસમાં 12216 દસ્તાવેજો સામે જૂનમાં 14293 દસ્તાવેજોની નોંધણી
મોરબી રોડ-રતનપર છ મહિનાથી અવ્લલ, કોઠારિયા-મવડીમાં પણ અવિરત સોદા
રાજકોટ શહેર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જમીનમાં આગજરતી તેજી જોવા મળી રહી છે જેના કારણે દર મહિને સબ રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવજેોની નોંધણી માટે પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દર મહિને સબ રજિસ્ટ્રાર કચેરીમાં થતાં દસ્તાવેજોનું પત્રક તૈયાર કરવામાં આવે છે જેમાં છેલ્લા છ મહિનાથી મોરબી રોડ અને રતન પર દસ્તાવેજ નોંધણીમાં અવ્વલ નંબર પર રહ્યો છે. જ્યારે ગત મહિને નોંધાયેલા દસ્તાવેજોમાંથી રાજ્ય સરકારને ફી અને સ્ટેમ્પ ડયુટી પેટે 85.92 કરોડની આવક થઈ છે.
રાજકોટ શહેર જિલ્લામાં છેલ્લા એક વર્ષથી જમીનમાં આગ જરતી તેજી જોવા મળી રહી છે. રાજકોટ શહેર જિલ્લામાં ઉદ્યોગો, ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, સ્માર્ટ સિટી જેવા પ્રોજેકટો મળતાં તેની સીધી અસર જમીનમાં તેજી જોવા મળી રહી છે. રાજકોટ શહેર જિલ્લામાં 18 જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીઓ આવેલી છે જેમાં દર મહિને નોંધાતા દસ્તાવેજોના પત્રક તૈયાર કરવામાં આવે છે.
બે મહિના પહેલા રાજકોટ જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં કુલ 12216 જેટલા દસ્તાવેજો નોંધાયા હતાં. જેના કારણે રાજ્ય સરકારને 66.46 કરોડની સ્ટેમ્પ ડયુટી અને ફી પેટે આવક થઈ હતી. બે મહિના પહેલા મોરબી રોડ પર 1443 દસ્તાવેજો નોંધાયા હતાં જ્યારે બીજા ક્રમે મવડી 1346, ત્રીજા ક્રમે ગોંડલ 1117, અને ચોથા ક્રમે કોઠારીયા 1105, જેટલા દસ્તાવેજોની નોંધણી થઈ હતી. જ્યારે સૌથી ઓછા દસ્તાવેજ વિંછીયામાં નોંધાયા હતાં.
ચોમાસાના પ્રારંભ પહેલા પણ જમીનમાં તેજી જોવા મળી રહી છે. બે મહિના બાદ પણ દસ્તાવજેોની સંખ્યામાં ઉતરોત્તર 17 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેમાં જૂન મહિનામાં રાજકોટ જિલ્લામાં કુલ 14293 દસ્તાવેજોની નોંધણી થઈ છે. જેમાં ફી પેટે રાજ્ય સરકારને 12,55,98,263 રૂપિયાની આવક થઈ છે. જ્યારે સ્ટેમ્પ ડયુટી ફી પેટે 73,36,94,488ની આવક થઈ છે. આમ રાજ્ય સરકારની તિજોરીમાં કુલ 85,92,92,751 રૂપિયાની આવક નોંધાઈ છે.
છેલ્લા છ મહિનાથી મોરબી રોડ પર સૌથી વધુ દસ્તાવજેોની નોંધણી થાય છે ત્યારે આ વખતે પણ મોરબી રોડ પ્રથમ નંબરે રહ્યો હતો. જેમાં ગત મહિનો મોરબી રોડ પર 1709 દસ્તાવેજો નોંધાયા હતાં. જ્યારે કોઠારીયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1609, મવડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1286 અને ગોંડલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1216 જેટલા દસ્તાવેજોની નોંધણી થઈ છે. જ્યારે સૌથી ઓછા દસ્તાવેજ વિંછીયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા છે.