સોમ-મંગળ વડાપ્રધાન મોદી ગુજરાતમાં, નિકોલમાં જાહેરસભા, લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે 16 કલાક માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન 25 ઓગસ્ટના રોજ સોમવારે સાંજે અમદાવાદ આવી પહોંચશે. અહીં નિકોલ ખાતે એક વિશાળ જનસભામાં રૂા.5500 કરોડથી વધુ રોકાણ ધરાવતા વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહુર્ત અને લોકાર્પક્ષ કરશે. રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે અને બીજા દિવસે સવારે 10 વાગે માંડલ-બેચરાજી ખાતે આવેલા મારૂતીના પ્લાન્ટસની મુલાકાત લઇ તેના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ કરશે.
નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સાંજે 6 વાગે જાહેરસભા સંબોધશે. અહીં વડાપ્રધાન રૂા.2700 કરોડના પ્રોજેકટસના ખાતમુહુર્ત તેમજ રૂા.2800 કરોડના પ્રોજેકટસના લોકાર્પણ કરશે. આમાં સરકાર પટેલ રિંગ રોડને ચારમાંથી છ માર્ગી બનાવવા, વાડજ રામાપીરના ટેકરા ખાતે તૈયાર થયેલા પીએમ આવાસ, ગાંધીનગરમાં રૂા.2200 કરોડના ખર્ચે નિર્માણ પામેલો પ્રોજેકટ, શેલા તેલાવને આવરી લેતા સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેકટ, મહેસાણાના રેલવે પ્રોજેકટસ સહીતના વિવિધ પ્રોજેકટસના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
વડાપ્રધાનના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ઇન સિટુ સ્લમ રિ-ડેવેલોપમેન્ટ ઘટક હેઠળ ગુજરાત રાજય સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સ્લમ રિહેબિલીટેશન અને રિ-ડેવલપમેન્ટ પોલીસી 2013 અંતર્ગત વાડજના રામાપીરના ટેકરાના નામે પ્રચલિત સ્લમ પૈકી સેકટર-3માં રૂા.133.42 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કુલ 1449 આવાસો તથા 130 દુકાનોનું પુન:વસન કરવાના કામનું લોકાર્પણ થશે.