મોબાઇલની મોકાણ: પિતાએ ફોન તોડી નાખતા પુત્રીએ વખ ઘોળ્યું
જામનગરના લાલપુરનો બનાવ : મોબાઇલમાં મશગુલ સગીરાએ રોટલા નહીં બનાવતા પિતાએ ઠપકો આપ્યો’તો
જામનગરના લાલપુરમાં આવેલા ધરાનગર ગોહિલવાસમાં મોબાઇલમાં મશગુલ સગીરાએ રોટલા નહિ બનાવતા પિતાએ ઠપકો આપી ફોન તોડી નાખ્યો હતો જેથી પુત્રીને માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરના લાલપુર ગામે ધરાનગર વિસ્તારમાં આવેલા ગોહિલવાસમાં રહેતી અંજલીબેન બટુકભાઈ પરમાર નામની 16 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે બપોરના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી થતા તાત્કાલિક સારવાર માટે લાલપુર અને ઉપલેટા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર અંજલીબેન પરમાર બે ભાઈ બે બહેનમાં મોટી છે અને તેના પિતા મજૂરી કામ કરે છે પિતા બટુકભાઈ પરમાર મજુરી કામ કરી ઘરે આવ્યા હતા ત્યારે પુત્રી અંજલીબેન પરમાર મોબાઇલમાં મશગુલ હતી અને રોટલા બનાવ્યા ન હતા. જેથી બટુકભાઈ પરમારે ઠપકો આપી મોબાઇલ તોડી નાખ્યો હતો. પિતાએ મોબાઈલ તોડી નાખતા અંજલીબેન પરમારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લાલપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.