ચોટીલાના નવાગામમાં સગીરાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
વાંકાનેરના પાડઘરામાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
ચોટીલાના નવાગામે રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના નવાગામે રહેતી જીલુબેન નાગરભાઈ ડેડાણીયા નામની 15 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે બપોરના બેએક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું.
સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં જીલુબેન ડેડાણીયા બે ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ છે અને ખેત મજૂરી કરે છે.
આ ઉપરાંત બીજા બનાવમાં વાંકાનેરના પાડધરા ગામે રહેતો મહેશ દેવાભાઈ ઓડેદરા નામના 23 વર્ષનો યુવાન જામસર ગામ પાસે બેલાની ખાણમાં હતો ત્યારે પ્રવીણ કરમુર, પ્રફુલ ભુવા અને પ્રદીપ નામના શખ્સે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.