ખરાબ રસ્તાઓથી બચવા મંત્રી કનુભાઇની ટ્રેન-હવાઇ મુસાફરી!
ગિરનાર પર વર્ષોથી વીજ સમસ્યા હતી. વીજ સમસ્યાના નિવારણ માટે ઓવર હેડ વીજ લાઈનની ક્ષમતા વધારી અંડરગ્રાઉન્ડમાં રૂૂપાંતરિત કરવાના 7.92 કરોડ રૂૂપિયાના પ્રોજેક્ટનું ઉર્જા મંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ હતું. આ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી રૂૂબરૂૂ જૂનાગઢ આવ્યા હતા. પરંતુ ગાંધીનગરથી જૂનાગઢ સુધીના રસ્તાઓ ખરાબ હોવાના કારણે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ટ્રેન મારફત વહેલી સવારે જૂનાગઢ પહોંચ્યા હતા. બાદમાં જૂનાગઢથી રોડ મારફત અમરેલી પહોંચી ત્યાંથી વિમાનમાં સુરત ગયા હતા.
રસ્તાઓની ખરાબ હાલત એટલી હદે છે કે વાહનચાલકો ત્રાહિમામ થઈ ગયા છે. ગામડાઓના રસ્તા તો ઠીક પરંતુ સ્ટેટ અને નેશનલ હાઈવેની પણ બદતર હાલત થઈ ગઈ છે. ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ખરાબ રસ્તાઓનો ભોગ બનવું ન પડે તે માટે જૂનાગઢના કાર્યક્રમમાં ટ્રેન મારફત આવ્યા હતા.
ગત રાત્રે અમદાવાદથી ટ્રેનમાં બેસી વહેલી સવારે જૂનાગઢ પહોંચ્યા હતા. બાદમાં ગિરનાર પર્વત પર અંબાજી મંદિરે નવરાત્રી નિમીતે પૂજા- અર્ચન કરી નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણનો કાર્યક્રમ પુરો કરી બાદમાં અમરેલી જવા માટે રવાના થયા હતા. અમરેલીથી પ્લેનમાં સુરત પહોંચ્યા હતા. ખરાબ રસ્તાઓના કારણે કેટલી મુશ્કેલી થાય છે તેનો ઉત્તમ દાખલો મંત્રીના પ્રવાસ પરથી નક્કી થાય છે.