સૌરાષ્ટ્રમાં મિનિ વાવાઝોડું ત્રાટક્યું : 0॥થી 2॥ ઈંચ તોફાની વરસાદ
રાજકોટ-2॥, કુંકાવાવ-2, માંગરોળ-1॥, જામજોધપુર-1, ગોંડલ રાણાવાવ, લોધિકા, કોટડાસાંગાણીમાં 0॥। ઈંચ ખાબક્યો
ગુજરાતને માવઠુ સતત ધમરોળી રહ્યું હોય તેમ ગઈકાલે સાંજે પણ રાજકોટ-ગોંડલ સહિતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાંટકતા ભારે ખાનાખરાબી સર્જાઈ હતી અને ગોંડલના ગરનારા ગામે વીજળી પડવાથી એક ખેતમજુરનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે કોટડાસાંગાણીમાં પણ વીજળી ત્રાંટકતા 10 ઘેટા-બકરાના મોત થયા હતાં.
છેલ્લા 24 કલાકમાં 55 તાલુકામાં ઝાપટાથી માંડી અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમાં સૌથી વધુ અડધા રાજકોટમાં 2.69 ઈંચ, કુંકાવાવ-2, માંગરોળ-1॥, જામજોધપુર-1, ગોંડલ રાણાવાવ, લોધીકા, કોટડાસાંગાણીમાં 0॥। ઈંચ ખાબક્યો હતો.
ભારે પવન ફૂંકાવાના કારણે ઠેક-ઠેકાણે વૃક્ષો તેમજ વીજ થાંભલા ધરાશાયી થવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વીજળી પડવાના કારણે પણ અનેક મકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે. રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં માત્ર બે કલાકમાં જ પોણા ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હોવાનું અનુમાન છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ગોંડલ અને જેતપુરમાં પણ એક થી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ગોંડલમાં આકાશમાંથી વીજળી પડતાં શંકરસિંહ ચૌહાણ (48) નામના શ્રમિકનું મોત થયું છે. મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના અનાકર ગામના શંકરસિંહ ગોંડલમાં વાડીમાં કામ કરતા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. આવી જ રીતે જામકંડોરણા તાલુકાના બેલડા ગામે પણ જયરાજસિંહના મકાન પર વીજળી પડાં છતમાં ગાબડું પડી જતાં પરિવાર ભયભીત થયો છે.
રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, અમરેલી, મોરબી સહિતના જિલ્લાઓમાં પણ એક ઇંચથી લઈ બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવાને કારણે અનેક જગ્યાઓએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા, જેના કારણે રસ્તાઓ અવરોધાયા હતા અને વીજળી પૂરવઠાને પણ અસર પહોંચી હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદના કારણે છાપરામાં રાખવામાં આવેલી ડુંગળી સહિતની જણસીઓ પલળી ગઈ હતી. યાર્ડ સત્તાધીશો દ્વારા છાપરામાં ઉતારવામાં આવેલી જણસીઓ પલળતા ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું છે.
ગોંડલ
સૌરાષ્ટ્રમાં ગઈકાલે બપોર બાદ મીનીવાવાઝોડા સાથે વરસેલા વરસાદે ભારે તારાજી વેરી હતી. જેમાં ગોંડલ માં દિવસભર નાં અસહ્ય બફારા બાદ સાંજે પાંચ કલાકે વાતાવરણ પલટાયુ હતુ.મીની વાવાઝોડા સાથે ભારે પવન ફુંકાયો હતો અને તોફાની વરસાદ ત્રાટકતા માત્ર દશ મીનીટ માં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.તાલુકાનાં વેજાગામે વિજળી પડતા પ્રૌઢનું મોત નિપજ્યુ હતુ. ગોંડલ માં મીની વાવાઝોડાનાં કારણે તુલસીબાગ,મહાદેવવાડી, મહીલાકોલેજ,પેલેસ રોડ સહિત અન્ય વિસ્તારોમાંમાં તોતીંગ વૃક્ષો ધરાશય થયા હતા.સિવિલ હોસ્પીટલ પાસે વિજ થાંભલો પડી ગયો હતો.અનેક જગ્યાએ વિજ વાયર તુટતા વિજ પુરવઠો ખોરવાતા શહેર માં અંધકાર પટ છવાયો હતો. મોડી રાત સુધી શહેર નાં કેટલાક વિસ્તાર માં વિજપુરવઠો ખોરવાયેલો રહયો હતો. વાવાઝોડા અને વરસાદ ને કારણે નગરપાલિકા તથા પીજીવીસીએલ તંત્ર ને દોડાદોડી થઈ પડી હતી.વરસાદ વસસતા રાજમાર્ગોપર પાણી ફરી વળ્યા હતા.તાલુકા નાં વેજાગામ ની સીમમાં વાડી માં કામ કરી રહેલા મુળ રાજસ્થાન નાં શંકરસિંહ હજારીસિંહ ચૌધરી ઉ.48 નું વિજળી પડતા મોત નિપજ્યુ હતુ.
વડિયા
અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા એવા વડિયા વિસ્તાર માં ઢળતી સાંજે વીજળી ના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ થી વડિયાની મુખ્ય બજારો માં પાણી પાણી થઇ ગયુ હતુ.તો વડિયા ના ગ્રામીણ વિસ્તાર એવા રામપુર તોરીમાં કરા સાથે વરસાદ તેમજ વડિયામાં ભારે પવન સાથેના વરસાદ થી ગ્રામપંચાયત પાસે આવેલા વર્ષો જુના લીમડાના વૃક્ષ ધરાશય થયા છે તો વીજપોલ અને સોલાર પેનલો ને પણ ભારે નુકશાન થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. વડિયામાં ઢળતી સાંજે મેઘરાજા એ ભારે પાવન, વીજળી ના કળાકા ભળાકા સાથે પારાવાર મુશ્કેલીઓ વડિયા સર્જી હતી.ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક લોકોના જીવ તાળવે ચોંટતા જોવા મળ્યા હતા.
મોટી પાનેલી
મોટી પાનેલી પંથકમાં માવઠાએ સતત કહેર મચાવ્યો છે આજે પાનેલી વાલાસણ સીદસર હરિયાસણ માંડાસણ ખારચીયા ઝાર ગીગણી બુટાવદર ગામમા માવઠા રૂૂપી વરસાદ જોરદાર પવન સાથે ખાબક્યો હતો અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે બપોરે ચાર વાગ્યાં બાદ અચાનક જોરદાર વાવાઝોડા રૂૂપી પવન સાથે વરસાદ આવી ચડતા પાનેલી ગીગણી વચ્ચે વૃક્ષ હોર્ડિંગ ધરાશાયી થતા તંત્રએ તાત્કાલિક કામગીરી કરી રોડ રસ્તા બહાલ કરેલ વાવાઝોડા સાથે વરસાદ સતત પોણી કલાક સુધી વરસ્યો હતો જે એક થી દોઢ ઇંચ જેટલો વરસી જતા રોડ રસ્તા પાણી પાણી થઇ ગયા હતા ખેતરોમાં પણ પવન સાથે વરસાદ આવતા ખેડૂતોના ઉભા અને પાથરે પડેલા મોલ ઢળી ગયાના સમાચાર છે.
દ્વારકા જિલ્લામાં માછીમારોને સલામત સ્થળે પહોંચવા અનુરોધ
અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને ચક્રવાતની રચના અંગે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં માછીમારોને સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવવા સાથે દરિયા દરિયો તોફાની બનવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આને અનુલક્ષીને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને અનુલક્ષીને એક સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દરેક માછીમારોએ ચક્રવાત જેવા પવન ફૂંકાવાની સંભાવનાને ધ્યાને લઈ અને દરિયો ન ખેડવા તેમજ દરિયામાં રહેલા માછીમારોને તુરત જ દરિયાકાંઠે સલામત સ્થળે પહોંચી જવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કાલથી 28 સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ
સામાન્ય રીતે સૌરાષ્ટ્રથી દૂર કેરલ પાસે પેદા થતુ વાવાઝોડુ આ વખતે નજીકમાં, ગોવા પાસે સર્જાઈ રહ્યું છે. આજે દક્ષિણ ગોવા-કોંકણના કાઠા નજીક મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં આજે સર્જાયેલું લો પ્રેસર આવતીકાલ સાંજ સુધીમાં વાવાઝોડાની સીસ્ટમ ડીપ્રેસનમાં ફેરવાવાની અને બાદ તેથી વધુ શક્તિશાળી બનીને ગુજરાત તરફ આવવા શક્યતા છે જેના પગલે આવતીકાલથી તા. 28 સુધી ગુજરાતમાં કલાકના 60કિ.મી.ની ઝડપે વિનાશક પવન અને વિજળીના કડાકાભડાકા સાથે હળવાથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. તેમજ તા. 25ના રોજ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારે તોફાની વરસાદની સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના લીધે માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે.