દ્વારકા નજીક ગાય આડી ઉતરતા મીની બસની પલટી: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા
દ્વારકા નજીક શનિવારે સાંજે મુસાફરો - યાત્રાળુઓ સાથેની એક ટ્રાવેલર્સ વાહન આડે ગાય ઉતરી આવતા આ વાહન પલટી ખાઈ ગયું હતું. જેમાં આશરે 8 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.અકસ્માતના આ બનાવ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકાથી આશરે 20 કિલોમીટર દૂર પોરબંદર માર્ગ પર કુરંગા ગામ અને આર.એસ.પી.એલ. કંપની વચ્ચે શનિવારે સાંજે આશરે પાંચેક વાગ્યાના સમયે યાત્રાળુઓ, મુસાફરો સાથે જઈ રહેલી એક ફોર્સ ટ્રાવેલર્સ વાહનની આડે એકાએક ગૌવંશ ઉતરી આવતા તેને બચાવવા જતાં આ વાહન પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં ઉપરોક્ત વાહનમાં જઈ રહેલા મહિલાઓ અને પુરુષો સહિત 8 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ સાથે નજીકના ટોલ ગેઈટ તેમજ 108 ની એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.