સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને 99.67 કરોડનો દંડ
ખાણ ખનીજ વિભાગે દરોડો પાડયા બાદ 12 શખ્સોને દંડનીય નોટિસ ફટકારતા ચકચાર
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. વિભાગ દ્વારા 12 શખ્સોને કુલ રૂૂ. 99.67 કરોડનો દંડ ફટકારતી નોટિસ પાઠવવામાં આવી છે. આ કાર્યવાહી સાયલા તાલુકાના વાટાવચ્છ ગામની સીમમાં બ્લેકટ્રેપ (રબલ) ખનિજના ગેરકાયદેસર ખનન અંગેના દરોડા બાદ કરવામાં આવી છે.
2 ડિસેમ્બરના રોજ સાયલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સુદામડા-સેજકપર રોડ પર વાટાવચ્છ સીમ વિસ્તારમાં કરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન સામે આવી હતી. સ્થળ પર તપાસ કરતા ખાડામાં અલગ-અલગ જગ્યાએ કુલ 4 એક્સકેવેટર મશીન બ્લેકટ્રેપ ખનિજનું ખનન કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત, કુલ 11 ડમ્પરો પણ મળી આવ્યા હતા, જેમાંથી 4 ડમ્પરમાં બ્લેકટ્રેપ ખનિજ ભરેલું હતું અને એક ડમ્પર ખાલી હતું. રોડ પરથી પણ 3 ભરેલા ડમ્પરો પકડવામાં આવ્યા હતા. આમ, કુલ 14 ડમ્પર અને 4 એક્સકેવેટર મશીનને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન, ખાણકામવાળા ખાડાની બાજુમાં અન્ય એક ખાડામાં એક્સપ્લોઝિવનો જથ્થો ચાર્જ કરેલો જોવા મળ્યો હતો. આ સમગ્ર બાબતે ખાણ ખનીજ કચેરીને આગળની કાર્યવાહી કરવા માટે અહેવાલ કરવામાં આવ્યો હતો. ગુજરાત ખનિજ (ગેરકાયદે ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ) નિયમો-2017ના નિયમ 22ના શિડ્યુલ મુજબ, બિનઅધિકૃત રીતે ખનન કરાયેલ કુલ 25,09,257.83 મેટ્રિક ટન બ્લેકટ્રેપ ખનિજની કિંમત પ્રતિ મેટ્રિક ટન રૂૂ. 315 લેખે રૂૂ. 79,04,16,217 થાય છે.
સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગાંધીનગરના સુધારા ઠરાવ તા. 29/11/2018ના નિયમ-1(અ)ની જોગવાઈ મુજબ, બ્લેકટ્રેપ રબલ ખનિજ માટે પર્યાવરણીય નુકસાનીના વળતર પેટે રૂૂ. 20,55,08,217નો દંડ પણ ઉમેરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ચાર એક્સકેવેટર મશીનની કમ્પાઉન્ડિંગ ફી પેટે રૂૂ. 8,00,000 અને લીઝના પાકા હદનિશાન, સાઇનબોર્ડ, ફેન્સિંગ ન હોવાથી કરારભંગ બદલ રૂૂ. 30,000નો દંડ પણ સમાવવામાં આવ્યો છે. આમ, કુલ મળીને સમાધાન પેટે વસૂલવાપાત્ર રકમ રૂૂ. 99,67,54,434 (અંકે નવાણું કરોડ સડસઠ લાખ ચોપન હજાર ચારસો ચોત્રીસ રૂૂપિયા પૂરા) થાય છે.
આ નોટિસ દ્વારા સંબંધિત 12 શખ્સોને પૂછવામાં આવ્યું છે કે શું તેઓ ગુજરાત ખનીજ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂૂલ્સ-2017ના નિયમ-22 હેઠળ ગુનાની માંડવાળ કરીને સમાધાનની રકમ ભરપાઈ કરવા સંમત છે કે કેમ. નોટિસ મેળવનારાઓમાં ખીમાભાઈ વસ્તાભાઈ પટેલ (લીઝધારક), દિલીપભાઈ જેમાભાઈ ધાડવી, દેવાભાઈ હમાભાઈ ભાંગરા, અજીતસીંહ અભેસીગભાઈ પઢીયાર, જીલુભાઈ નાજભાઈ ખવડ, રઘુભાઈ જેમાભાઈ ધાડવી, સંજયભાઈ ધુડાભાઈ ધાડવી, રાજુભાઈ ખુમાનસંગભાઈ રાઠોડ, વિપુલભાઈ રાસુભાઈ બાટીયા, દોલાભાઈ ધુડાભાઈ ધાડવી, શિવ શંકર યાદવ અને ધાધરેટીયા પ્રવિણભાઈ માનસીંગભાઈનો સમાવેશ થાય છે.