મીઠાપુર નજીક રિક્ષા અકસ્માતમાં પરપ્રાંતીય યુવાનનું કરૂણ મોત
મીઠાપુરથી આશરે 10 કિલોમીટર દૂર મોજપ ગામ સ્થિત ગૌશાળા માર્ગ પર શનિવારે મુસાફરોને લઈને જઈ રહેલી જી.જે. 18 એ.એક્સ. 6325 નંબરની એક પેસેન્જર રીક્ષા ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ખાત્રજ ગામના રહીશ ગિરીશકુમાર મહેન્દ્રસિંહ ચૌહાણ નામના 26 વર્ષના યુવાનને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાન દસક્રોઈ તાલુકાના નરેન્દ્રકુમાર જુવાનસિંહ ડાભી (ઉ.વ. 23) તેમજ વિજયકુમાર અને દસક્રોઈ તાલુકાના પિયુષભાઈ ડાભી સહિતના છ મુસાફરોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે ઠાકોર પિયુષભાઈ પ્રકાશભાઈ ડાભી (ઉ.વ.22) ની ફરિયાદ પરથી રિક્ષાને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી, અકસ્માત સર્જવા સબબ રીક્ષાના ચાલક ઈસ્માઈલભાઈ સામે ભારતીય ન્યાય સહિતા તેમજ એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.એન વાંઝા દ્વારા હાથ ધરવામાં આવી છે.
જલદ એસિડ પી લેતામહિલાનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા ખારા તળાવ ખાતે રહેતા નીલોફર ઉર્ફે નીલમ અબ્બાસભાઈ આમદભાઈ મોદી નામના 43 વર્ષના મહિલાએ થોડા દિવસો પૂર્વે કોઈ અકળ કારણોસર પોતાના હાથે એસિડ પી લીધું હતું. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્રી રૂૂકસાનાબેન અબ્બાસભાઈ મોદી (ઉ.વ. 18) એ દ્વારકા પોલીસને કરી છે. મૃતક મહિલાનો લગ્ન ગાળો 20 વર્ષનો હતો. જે અંગે દ્વારકા પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી.
દરિયામાં પડી ગયેલા માછીમાર પ્રૌઢનું મૃત્યુ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખા ખાતે રહેતા જયંતીભાઈ ઠાકોરભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢ ગત તારીખ 22 મી જાન્યુઆરીના રોજ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં આવેલી જેટીમાં અલ અતિક નામની બોટમાં આગળના ભાગે બેઠા હતા. ત્યારે તેમને એકાએક ખેંચ આવી જતા તેઓ બોટ પરથી દરિયાના પાણીમાં પડી ગયા હતા. જેના કારણે પાણીમાં ડૂબી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ નરેન્દ્રભાઈ બુધિયાભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.