સિવિલના સર્જરી વિભાગમાં પરપ્રાંતિય દર્દીને મળી સારવાર અને પારિવારીક હૂંફ
મૂળ નાગપુરના રહેવાસી લવિંગ સિંહ રોજગારની શોધમાં રાજકોટ આવ્યા હતા. મહેનતુ સ્વભાવ ધરાવતા લવિંગ સિંહે અહીં જીવનયાત્રાની નવી શરૂૂઆત કરી હતી, પરંતુ થોડા દિવસો અગાઉ બનેલા અચાનક અકસ્માતે તેમની જીંદગીમાં મોટો વળાંક આવ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઝડપથી પહોંચી ગયેલી ટીમે લવિંગ સિંહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ગંભીર ઈજાઓને કારણે તેમને હોસ્પિટલના સર્જરી વિભાગના યુનિટ 5 માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ટીમે કે જેના એચઓડી ડો.ઈલિયાસ જુણેજા છે તેમજ એપી ડો.ઉર્વેશ પરમાર, ડો.મિલન અગ્રવાલ, ડો.મિલન વસોવાડીયા, ડો.ગણેશ, ડો.જગદીશ અને ડો.રોહિત એ સમયસર સારવાર આપી તેમને જીવદોરી આપી.આ ઉપરાંત નર્સિંગ સ્ટાફ અને વર્ગ ચાર ના તમામ કર્મચારીઓ એ પોતાના પરિવાર ની જેમ માવજત કરી.
સારવાર દરમ્યાન લવિંગ સિંહે અસહ્ય પીડા છતાં હિંમત ગુમાવી નહોતી. તેમનું માનવું હતું કે આ કપરા દિવસો એક દિવસ પસાર થઈ જશે. તબીબી સારવાર પૂર્ણ થયા બાદ તેમની આગળની સંભાળ માટે તેમને શહેરના એક આશ્રમમાં ખસેડવામાં આવ્યા હતા. આશ્રમમાં મળતી સેવા, સ્નેહ અને સહાનુભૂતિપૂર્ણ વાતાવરણના કારણે તેઓ ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા છે. તેમના જીવનમાં ફરી એકવાર નવી આશાનો કિરણ ઝળહળી ઉઠ્યો છે. લવિંગસિંહની આ સફર પ્રેરણાદાયી છે. અકસ્માત અને કપરા સમય વચ્ચે પણ હિંમત ન હારનાર આ યુવાનની કથા સમાજને એ સંદેશ આપે છે કે અંધકાર પછી પ્રકાશ જરૂૂર આવે છે. મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરવાથી જીવન ફરી ઉજળું બની શકે છે.